અમદાવાદ, 21 ઓગસ્ટ 2024, ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનું 23મી ઓગસ્ટે ચાંદખેડા, ખાતે સમાપન કરવામાં આવશે. જે અંગે આવતીકાલે સવારે 8:30 વાગે સરખેજ ચોકડીથી ન્યાય યાત્રાની શરૂઆત કરી બપોરે 3 વાગે કોંગ્રેસ ભવન ખાતેથી થઈ સાંજે ગાંધી આશ્રમ જશે. આ સમગ્ર મુદ્દે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે યાત્રાને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આક્ષેપોની સાથે યાત્રા દરમિયાન તેમનો અનુભવ કેવો રહ્યો? સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું નિવારણ કેવી રીતે લાવી શકાય જેવા મુદ્દે ચર્ચા કરી હતી.
નકલી અધિકારીઓ તથા નકલી સરકારી કચેરીઓનો રાફડો ફાટ્યો
શક્તિસિંહ ગોહિલે પત્રકારોને જણાવ્યું હતું કે, હિન્ડન બર્ગ રિપોર્ટમાં ઉજાગર થયેલ ભાજપ સરકારમાં ભયમુક્ત ભ્રષ્ટાચારના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો પ્લે-કાર્ડ સાથે પદયાત્રામાં જોડાશે. દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ એટલે કોંગ્રેસની ન્યાયયાત્રા ૯ ઓગસ્ટથી મોરબી ખાતેથી શરૂ થઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પક્ષની ‘ગુજરાત ન્યાય યાત્રા’ મોરબી – ટંકારા – રાજકોટ – ચોટીલા – સુરેન્દ્રનગર – વિરમગામ – સાણંદ થઈ ચાંદખેડા અમદાવાદ ખાતે યાત્રાનું સમાપન થશે. રાજ્યમાં નકલી અધિકારીઓ તથા નકલી સરકારી કચેરીઓનો રાફડો ફાટ્યો છે.
રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે
શક્તિસિંહે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલો, સરકારી વાહનોમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો માણવામાં આવે છે અને ગુજરાતમાં કરોડો લીટર દારૂ બેરોકટોક ઠલવાઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલ ભાજપ શાસનમાં ખુલ્લેઆમ વેચાતા ડ્રગ્સના કારણે યુવાનો મોટાપાયે ડ્રગ્સ તરફ વળી રહ્યા છે અને રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા સહિત તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર ધૃતરાષ્ટ્ર બનીને માત્ર તમાશો જોઈ રહી ત્યારે ગુજરાત ન્યાય યાત્રા ગુજરાતીઓના ન્યાય અને હક્ક માટેનો અવાજ બુંલદ કરી રહી છે.
આ પણ વાંચોઃવિધાનસભામાં કોંગ્રેસે વિદેશમાં રહેતા શિક્ષકોનો મુદ્દો ઉઠાવ્યો, દુર્ઘટનાઓ મુદ્દે સુત્રોચ્ચાર કર્યા