ગુજરાતના આ શહેરમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ વધતા ચકચાર
- છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુમાં 81, મલેરીયામાં 32, તાવના 147 દર્દીઓ આવ્યા
- અમરોલીમાં તાવ અને ઉલ્ટી થયા બાદ બાળકી અને અલથાણમાં ઝાડા થયા બાદ આઘેડનું મોત
- છેલ્લા દોઢ માસમાં ડેન્ગ્યુમાં 424, મલેરીયામાં 399 તથા ગ્રેસ્ટોના 147 દર્દી સારવાર અર્થે આવ્યા
સુરતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત રહેવા પામ્યા છે. તેવા સમયે અમરોલીમાં તાવ અને ઉલ્ટી થયા બાદ બાળકી અને અલથાણમાં ઝાડા થયા બાદ આઘેડનું મોત નીપજ્યું હતું. જ્યારે સિવિલમાં છેલ્લા દોઢ માસમાં ડેન્ગ્યુમાં 424, મલેરીયામાં 399, તાવમાં 339, ગ્રેસ્ટોના 147 દર્દી સારવાર અર્થે આવ્યા હતા.
પરિવારજનો બે દિવસ પહેલા રોજી રોટી માટે સુરત આવ્યા હતા
સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીમાં પાણીની ટાંકી પાસે મંદિર નજીકમાં રહેતી બાળકીને તાવ આવતો અને ઉલ્ટી થઇ હતી. જેથી તેને સારવાર માટે સ્થાનિક દવાખાનામાં લઇ ગયા હતા. જોકે તેની તબિયત વધુ લથડતા બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હોવાનું તેમના પરિચિતે કહ્યુ હતું. જયારે તે મુળ ઉતરપ્રદેશમાં ગાંજીપુરાની વતની હતી. તેનો એક ભાઇ છે. જોકે તેના પરિવારજનો બે દિવસ પહેલા રોજી રોટી માટે સુરત આવ્યા હતા. તેના પિતા મજુરી કામ કરે છે.
છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુમાં 81, મલેરીયામાં 32, તાવના 147 દર્દીઓ આવ્યા
બીજા બનાવમાં અલથાણમાં નવી વસાહતમાં રહેતા 45 વર્ષીય શૈલેષ બચુભાઇ રાઠોડ ગત રાતે ઝાડા થતા હતા. બાદમાં તેની તબિયત બગડતા બેભાન થઇ જતા સારવાર માટે 108માં નવી સિવિલ ખસેડાયો હતો. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. શહેરમાં વરસાદ વિદાય થયા પછી પણ ઝાડા-ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં લોકો સપડાય રહ્યા છે. જેને લીધે નવી સિવિલમાં નવેમ્બર માસમાં છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુમાં 81, મલેરીયામાં 32, તાવના 147, ગ્રેસ્ટોના 51 દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: રાજ્યનું સૌથી ઠંડુ શહેર પાટનગર બન્યું, જાણો તાપમાનનો પારો કેટલો રહ્યો