બનાસકાંઠા : ડીસામાં દશામાં વ્રતની પૂર્ણાહુતિ: બનાસ નદીમાં માતાજીની મૂર્તિઓનો વિસર્જન
બનાસકાંઠા 14 ઓગસ્ટ 2024 : ડીસામાં મા દશામા વ્રતની પૂર્ણાહુતિ બાદ મહિલાઓ નદી પર પહોંચી મા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરી ભાવભીની વિદાય આપી હતી. બીજી તરફ આ વર્ષે બનાસ નદીમાં પાણી ન આવતા મહિલાઓમાં નિરાશા જોવા મળી હતી અને મહિલાઓએ ગામમાંથી પસાર થતી નદીમાં ભરાયેલા ખાબોચિયામાં મૂર્તિઓનું વિસર્જન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.
દશામાના 10 દિવસના વ્રતની પૂજા અર્ચનાને પગલે ડીસામાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું અને આજે દસ દિવસ પૂર્ણ થતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોડી રાત સુધીમાં દશમાની આરતી કરવામાં આવી હતી અને ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. વહેલી સવારે દશામાતા ની જયના નારા લગાવતી મહિલાઓ નદી પર પહોંચી હતી અને ઉમળકાભેર દશમીની મૂર્તિઓનું નદીમા ભરાયેલા ખાબોચિયાઓના પાણીમાં વિસર્જન કર્યું હતું. ગત વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમ ઓવરફ્લો થતાં બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેથી બનાસ નદીમાં પાણી મળતાં મહિલાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ આ વર્ષે વરસાદ ન થતા નદીમાં પાણી ન આવતા મહિલાઓમાં નિરાશા જોવા મળી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા નગરપાલિકાના કર્મચારીઓ અચાનક હડતાલ પર જતા કામકાજ ઠપ