6 જૂન, કોલકાતા: ભારત માટે સૌથી વધુ ગોલ કરનારા સુનીલ છેત્રી આજે કુવૈત સામે કોલકાતાના પ્રખ્યાત સોલ્ટ લેક સ્ટેડિયમમાં પોતાની અંતિમ મેચ રમશે. આ મેચ ભારત માટે અત્યંત મહત્વની છે કારણકે આ મેચ FIFA World Cup 2026ની ક્વોલિફાયર મેચ છે. પરંતુ આપણે આજે આ પ્રસંગે જાણીશું સુનીલ છેત્રીની કારકિર્દી વિશે જે લગભગ બે દાયકા સુધી ચાલી છે.
ગયા મહીને એક વિડીયો મેસેજ દ્વારા સુનીલ છેત્રીએ પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. સુનીલ છેત્રીએ અત્યાર સુધી ભારત માટે કુલ 145 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે અને તેમાં 94 ગોલ પણ કર્યા છે.
આજે જ્યારે ભારતનો આ સુપરસ્ટાર ફૂટબોલર પોતાની અંતિમ મેચ રમવા જઈ રહ્યો છે ત્યારે ચાલો આપણે સુનીલ છેત્રીની કારકિર્દી પર એક નજર નાખીએ.
03 ઓગસ્ટ 1984: આંધ્રપ્રદેશના હૈદરાબાદ (આજનું તેલંગાણા) ખાતે કેબી છેત્રી અને સુનીલા છેત્રીને ઘરે સુનીલ છેત્રીનો જન્મ થયો.
03 ફેબ્રુઆરી 2002: 17 વર્ષીય સુનીલ છેત્રીએ દિલ્હીની એક ફૂટબોલ ક્લબ તરફથી રમતા ડ્યુરંડ કપમાં ઇન્ડિયન નેવી સામે પોતાનો પહેલો ગોલ ફટકાર્યો હતો. આ મેચ છેત્રીની ટીમ 3-0થી જીતી ગઈ હતી.
01 જુલાઈ 2002: સુનીલ છેત્રીની રમતથી પ્રભાવિત થઈને સુબ્રતો ભટ્ટાચાર્યએ તેને કોલકાતાની પ્રખ્યાત ફૂટબોલ ક્લબ મોહન બાગાન માટે ત્રણ વર્ષ માટે કરારબદ્ધ કર્યો હતો. આ રીતે સુનીલ છેત્રી હવે પ્રોફેશનલ ફૂટબોલર બની ગયો હતો.
12 જુલાઈ 2005: સુનીલ છેત્રીએ પાકિસ્તાન સામે પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું હતું. ક્વેટાના અય્યુબ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં છેત્રીના ગોલને કારણે ભારતે મેચ ડ્રો કરી હતી.
29 ઓગસ્ટ 2007: નહેરુ કપ ફાઈનલમાં સીરિયા સામે વિજયી ગોલ ફટકારીને સુનીલ છેત્રીએ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ જીતી હતી. ટીમ ઇન્ડિયા પણ આ ટુર્નામેન્ટ એક દાયકા બાદ જીતી હતી.
13 ઓગસ્ટ 2008: AFC Challenge Cup ફાઈનલમાં હેટ્રિક ગોલ્સ કરીને સુનીલ છેત્રીએ ટીમ ઈન્ડિયાને તાજકીસ્તાન સામે અશક્ય વિજય અપાવ્યો હતો અને ટીમ AFC Asian Cup માટે 1984 બાદ પહેલીવાર ક્વોલીફાય થઇ હતી.
15 માર્ચ 2010: અમેરિકાની મેજર લીગ ફૂટબોલ એટલેકે MLSમાં કેન્સાસ સીટી વિઝાર્ડસ સાથે કોન્ટ્રેક કરીને સુનીલ છેત્રી નોર્થ અમેરિકન લીગમાં રમનાર પ્રથમ ભારતીય ફૂટબોલર બની ગયો હતો.
01 ઓક્ટોબર 2012: છેત્રીને સ્પોર્ટીંગ CP ટીમના રિઝર્વ ખેલાડી તરીકે સ્થાન મળ્યું હતું આ એ જ ટીમ હતી જેના વતી ક્યારેક ક્રિસ્ટીઆનો રોનાલ્ડો રમ્યો હતો.
11 ઓક્ટોબર 2017: મકાઉ સામે AFC Asian Cup માં ક્વોલિફાયર મેચમાં રમતા છેત્રીએ મહત્વના ગોલ કરીને ટીમને જીત અપાવી હતી.
04 ડિસેમ્બર 2017: પોતાને પ્રોફેશનલ ખેલાડી બનાવનાર સુબ્રતો ભટ્ટાચાર્યની પુત્રી અને ગર્લફ્રેન્ડ સોનમ ભટ્ટાચાર્ય સાથે સુનીલ છેત્રીએ લગ્ન કર્યા.
06 જાન્યુઆરી 2019: છેત્રીએ થાઈલેન્ડ સામે બે ગોલ્સ ફટકારીને 55 વર્ષ બાદ ભારતને AFC Asian Cupની ગ્રુપ સ્ટેજની મેચમાં જીત અપાવી હતી.
13 ઓક્ટોબર 2021: માલદિવ્સ સામે SAFF Championshipsની મેચ રમતાં ગોલ કરીને સુનીલ છેત્રીએ વિશ્વમાં સહુથી વધુ ગોલ્સ કરનારા ફૂટબોલર્સ જેવા કે લાયોનેલ મેસ્સી અને ક્રિસ્ટીઆનો રોનાલ્ડો સાથે સામેલ થઇ ગયો હતો.
02 નવેમ્બર 2021: સુનીલ છેત્રીને દેશના સર્વોચ્ચ ખેલ સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો.
21 જૂન 2023: પાકિસ્તાન સામે ગોલ્સની હેટ્રિક ફટકારીને સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સહુથી વધુ ગોલ્સ કરનારાઓની યાદીમાં બીજા સ્થાને આવી ગયો.
16 મે 2024: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત.
06 જૂન 2026: સુનીલ છેત્રીએ કુવૈત સામે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં FIFA World Cup 2026 ક્વોલિફાયરમાં પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમી.