ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
ભાણવડ અનાજ કૌભાંડમાં વધુ એક ડઝન શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પ્રકાશમાં આવેલા સસ્તા અનાજને ગેરકાયદેસર રીતે રાખવા અંગેના તોતિંગ કૌભાંડમાં પ્રાંત અધિકારી દ્વારા કડક વલણ અખત્યાર કરતા આ ધગધગતા પ્રકરણમાં જિલ્લા પુરવઠા અધિકારી પાર્થ કોટડીયાએ ઊંડાણપૂર્વકની તપાસનો દૌર જારી રાખીને વધુ કડક પગલું લઈને ભાણવડની મામલતદાર કચેરીના બે કોમ્પ્યુટર ઓપરેટર સહિત વધુ કુલ એક ડઝન જેટલા શખ્સો સામે ધોરણસર પોલીસ ફરિયાદ અંગેની કાર્યવાહી કરી છે.
પુરવઠા અને પોલીસ વિભાગે સવા સોળ લાખનો માલ સીઝ કર્યો હતો
મળતી વિગત મુજબ ભાણવડ તાલુકાના રૂપામોરા વિસ્તારમાં પુરવઠા તથા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ગરીબોને આપવાનો થતો સરકારી સસ્તા અનાજનો જથ્થો રાખવા સબબ તંત્ર દ્વારા રૂપિયા રૂ. સવા નવ લાખના ઘઉં તથા ચોખાનો જથ્થો મળી, રૂપિયા 16.25 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.
અગાઉ ધરપકડ અને દુકાન લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી થઈ હતી
આ પ્રકરણમાં પોલીસે મુખ્ય બે આરોપી તથા વાહનચાલક સામે ગુનો નોંધ્યા બાદ જામનગરના એક વેપારીની પણ ધરપકડ કરી હતી. ગરીબોને આપવાના થતા સરકારી સસ્તા અનાજને કાળા બજાર કરીને ખુલ્લી બજારમાં વેચવા સબબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પુરવઠા અધિકારી પાર્થ કોટડીયાએ આકરી કાર્યવાહી કરી, ભાણવડ વિસ્તારના સસ્તા અનાજના ચાર દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા હતા.
પોલીસે હાથધરી આગળની કાર્યવાહી
આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા ભાણવડની મામલતદાર કચેરીના હંગામી કોમ્પ્યુટર ઓપરેટર એવા રૂપામોરા ગામના બાબુ જગાભાઈ કરેણ અને પરબત ખીમા કરમુર નામના બે શખ્સોએ જુદા જુદા 10 વ્યક્તિઓ સાથે મેળાપીપણું કરી અને છેલ્લા થોડા સમય દરમિયાન આ કેન્દ્ર સંચાલકો પાસેથી કુલ 2,046 વ્યક્તિઓના નામને ઉમેરી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો જથ્થો બારોબાર ડાયવર્ડ કરાવી પોતાના અંગત લાભ માટે કૌભાંડ આચાર્ય હોવાનું જાહેર થયું છે. ત્યારે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથધરી છે.