નસવાડીમાં ACBની કસ્ટડીમાંથી ભાગેલા અધિક મદદનીશ ઇજનેર સામે નોંધવાઈ ફરિયાદ
- હરીશ ચૌધરી રૂા.2 લાખની લાંચ લેતા પકડાયો હતો
- ચૌધરીએ રૂા.1.20 કરોડના 10% લાંચ માગી હતી
- પંચનામાની કાર્યવાહી માટે લઈ જતા નસવાડી વિશ્રામ ગૃહમાંથી ફરાર થયો હતો
- નસવાડી પોલીસે હરીશ ચૌધરી વિરૂદ્ધ ઇપીકો કલમ 224 હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી
નસવાડીમાં રૂ.2 લાખની લાંચ પ્રકરણમાં પકડાયા બાદ ACBની કસ્ટડીમાંથી અધિક મદદનીશ એન્જિનિયર હરીશ ચૌધરી ગઈકાલે ફરાર થયા હતાં. નસવાડી પોલીસે ACB પીઆઇ ડી.ડી.વસાવાની ફરિયાદને આધારે હરીશ ચૌધરી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
શું હતો આખો કેસ ?
મળતી માહિતી મુજબ, નસવાડીમાં નાના પુલના કોન્ટ્રક્ટનું કામ કરનાર કોન્ટ્રક્ટર પાસે રૂ.1.20 કરોડના બિલના 10 % લેખે અધિક મદદનીશ એન્જિનિયર હરીશ સરદારભાઈ ચૌધરીએ લાંચ માંગી હતી. ACBએ ફરિયાદને આધારે છટકુ ગોઠવી હરીશ ચૌધરી (હાલ રહે.વેદાંત રેસીડેન્સી, સોમા તળાવ, વડોદરા, મૂળ મહેસાણા)ને ગઈકાલે રૂ. 2 લાખની લાંચ લેતા પકડયો હતો. તાલુકા પંચાયત સામેની બાજુની જગ્યામાં જાહેર રોડ હોવાથી લોકટોળા ભેગા થવાની શક્યતાને આધારે ACBની ટીમ હરીશ ચૌધરીને વિશ્રામ ગૃહ ખાતે લઈ ગઈ હતી. ACBની ટીમે વિશ્રામગૃહ ખાતે પંચનામાની કાર્યવાહી હાથધરી હતી.
નર્મદા પીઆઇ ડી.ડી.વસાવા બન્યા ફરિયાદી
ACBની ટીમે હરીશ ચૌધરીને વિશ્રામ ગૃહના નર્મદા કક્ષમાં બેસાડયો હતો. દરમિયાન હરીશ ચૌધરી અધિકારીઓની નજર ચુકવીને વિશ્રામ ગૃહમાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ એક્શનમાં આવેલી ACBની ટીમે શોધખોળ કરતા હરીશ ચૌધરી મળી આવ્યો ન હતો. આ સમગ્ર ઘટના અંગે નર્મદા પીઆઇ ડી.ડી.વસાવાએ આજે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નસવાડી પોલીસે હરીશ ચૌધરી વિરૂદ્ધ ઇપીકો કલમ 224 હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી છે.