બનાસકાંઠા : ડીસામાં અસામાજિક તત્વોના વાઇરલ વિડીયો માં પોલીસ દ્વારા રાયોટીંગની ફરિયાદ
- બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી
બનાસકાંઠા 26 જુલાઈ 2024 : ડીસા શહેરના ઉમિયા નગર વિસ્તારમાં ગઈકાલે કેટલાક તત્વો મારામારી કરવા આવ્યા હોવાનો આતંક મચાવતો વિડીયો વાયરલ થતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તાત્કાલિક અસરથી વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરી રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ મામલે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી છે.
આ અંગેની વિગત એવી છે કે ડીસા શહેરના ઉમિયા નગરથી વિરેન પાર્ક તરફ જતા રસ્તા પર કેટલાક શખ્સો ગાડીમાં લાકડીઓ ધોકાઓ સાથે આવીને જાહેરમાં દાદાગીરી કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો.જે બાબતે પોલીસે તપાસ કરતા ડીસા કોલેજ પાછળ આસોપાલવ ભાગ-૨ માં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વસંત ઈશ્વરલાલ પાવાળા પોતાના દીકરાને શાળાએથી મૂકીને ઘરે આવતા હતા ત્યારે દાંતીવાડા તાલુકાના ભાખર ગામના મોનસિંહ ઉર્ફે મોનભા અંદરસિંહ વાઘેલા જીતુસિંહ ઉર્ફે જીતુભા વાઘેલા, દાડમસિંહ વાઘેલા, કલ્પેશસિંહ લાખુસિંહ વાઘેલા, પીરસિંગ લાખુસિંહ વાઘેલા, સુરંગસિંહ વાઘેલા તથા બીજા ત્રણ ચાર શખ્સો ક્રેટા અને મારુતિ ઈકો ગાડીમાં આવીને વસંત ને તું કેમ ગોવિંદ રાણા સાથે ખૂબ ફરે છે તેમ કહી ધોકા વડે માર મારતા વસંતને માથાના ભાગે ઈજા થઈ હતી. જોકે તે દરમિયાન લોકોનું ટોળું એકત્ર થઈ જતા તમામ શખ્સો ગાડીમાં બેસીને નાસી છૂટ્યા હતા. જોકે ત્યાં ઉભેલા લોકોમાંથી કોઈએ તેનો વિડીયો બનાવી વાયરલ કરી દીધો હતો. જેથી પોલીસે વસંત ઈશ્વરલાલ પાવાળા ની ફરિયાદના આધારે તમામ સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.
જ્યારે સામે પક્ષે પોલીસે લખુંસિંગ ડુંગરસિંહ વાઘેલા ની ફરિયાદના આધારે ગોવીંદ રાણાજી જોશી, પંકજ ગોવિંદ જોશી તેમજ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે. જેમાં જણાવ્યું છે કે,લખુંસિંગ નો ભત્રીજો માનસિંગ ઉર્ફે માનભા ગાડી રીપેર કરાવવા ડીસા આવેલ ત્યારે પંકજ જોશીને મજાકમાં કહેલ કે ‘તમે લોકો માથાભારે થઈ ગયા છે આટલું કહેતા પંકજ જોશી, ગોવિંદ જોશી તેમજ તેમની સાથેના અન્ય શખ્સોએ તેની પર હુમલો કરી હાથે ફ્રેક્ચર કરી ઇજા પહોંચાડી હતી.જેથી પોલીસે આ બાબતે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા – વાસણા રોડ પર રેતી ભરીને દોડતી ટ્રકો ગ્રામજનોએ અટકાવી વિરોધ નોંધાવ્યો