રાજકોટ, 29 મે 2024, TRP ગેમઝોનમાં બનેલી આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આ પ્રકારની જગ્યાઓ પર ખાસ ચેકીંગ કરવા સહિત અસરકારક કડક પગલાં સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા તમામ જીલ્લા પોલીસ વડાઓને ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં ચેકીંગ કરવા સૂચના આપવામાં આવી છે. જે ગેમ ઝોનનું ફાયર NOC તથા લાયસન્સ મેળવેલ ન હોય તેવા સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
રાજકોટમાં આઠ ગેમઝોનના સંચાલકો સામે ગુનો દાખલ
રાજકોટમાં TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે. ફાયર NOC ન હોય તેવા 8 ગેમ ઝોન સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રાજકોટના વર્ષો જુના પ્રખ્યાત ક્રિષ્ના વોટર પાર્ક તેમજ ફન બ્લાસ્ટ સહિત 8 ગેમ ઝોન સંચાલકો સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ અને NSUIએ હોબાળો કર્યો છે. ગેમ ઝોનમાં પેટ્રોલનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે સવાલો ઉઠાવી પુરવઠા અધિકારીનુ રાજીનામું લેવા માંગ કરવામા આવી છે. ચીફ ફાયર ઓફિસરને ડિસમિસ કરવાની માંગ કરી છે.
અમદાવાદમાં પણ પોલીસે ચાર ફરિયાદ નોંધી
બીજી તરફ અમદાવાદમાં પણ ગેમઝોન સામે તંત્ર એક્શનમાં આવ્યું છે. આજે શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ચાર ગેમઝોનના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં ગોતામાં બે, નિકોલમાં એક અને આનંદનગરના એક ગેમઝોન સામે કાર્યવાહી કરાઈ છે. લાયસન્સ અને NOC વિના ચાલતા ગેમઝોનના માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તે ઉપરાંત શહેરના સિંધુ ભવન રોડ ઉપર આવેલું મોટું SHOTS ગેમ ઝોનને પણ ઉત્તર પશ્ચિમના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું છે. BU પરમિશન મુજબનું બાંધકામ નહીં હોવાના કારણે તેને સીલ મારવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન શીલજ વિસ્તારમાં આવેલા ત્રણ ગેમ ઝોન પરમિશન વિના જ ખુલ્લા પ્લોટમાં ચાલુ કરી દેવામાં આવ્યા હતા. તેમજ બે ગેમ ઝોન દ્વારા ફાયર NOC લેવામાં આવી નહોતી. અમદાવાદમાં સિંઘુભવન રોડ પર આવેલું SHOTS ગેમ ઝોન સહિત 5 સીલ કરવામાં આવ્યા હતાં.
સુરત અને વડોદરામાં પણ તંત્રની કાર્યવાહી
સુરતમાં પણ સરકારી તંત્ર સક્રિય થયું છે. શહેરમાં ગેરકાયદેસર રીતે ચાતાં પાંચ ગેમઝોન સામે ગુનો નોંધાયો છે. રાંદેર, પાલ, વેસુ, ઉમરાના 5 ગેમઝોનના માલિકો સામે પગલા લેવાયા છે. વડોદરા કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસમાં ફાયર એનઓસી વગર ચાલતા ગેમ ઝોન તેમજ હોસ્પિટલો, રેસ્ટોરન્ટો, શોપિંગ મોલો તેમજ કોમર્શીયલ બિલ્ડિંગોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ગેમ ઝોન બંધ કરાવવા ઉપરાંત સીલ મારવાની અને નોટિસો આપવાની કાર્યવાહી કરવામાં હતી. આ કામગીરી માટે પાલિકાના વિવિધ વિભાગો તેમજ પોલીસતંત્રની 16 ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી છે.