સોનિયા ગાંધી વિરુદ્ધ બિહારમાં નોંધાઈ ફરિયાદ, જાણો કયા કેસમાં ફસાયા?


નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2025: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ‘Poor Lady’ કહેતા તેમના વિરુદ્ધ બિહારના મુઝફ્ફરપુરમાં ફરિયાદ નોંધાઈ છે. સુધીર ઓઝા નામના એક વકીલે શનિવારે સીજીએમ કોર્ટમાં આ ફરિયાદ દાખલ કરી છે. કોર્ટે તેનો સ્વીકાર પણ કરી લીધો છે. આ કેસની સુનાવણી 10 ફેબ્રુઆરી થશે. અરજીકર્તાએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીને પણ સહ આરોપી બનાવ્યા છે અને તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે.
અરજીકર્તા સુધીરે જણાવ્યું છે કે, સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને અપમાનિત કરવાની કોશિશ કરી છે. બજેટ સત્ર દરમ્યાન રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ સોનિયા ગાંધીએ તેમની પર ટિપ્પણી કરી હતી. તે ખૂબ જ વાંધાજનક હતી. ઓઝાએ કહ્યું કે, રાષ્ટ્રપતિજી મહિલા છે અને આદિવાસી સમુદાયમાંથી આવે છે. તેમના વિરુદ્ધ આ ટિપ્પણી વાંધાજનક છે. કોર્ટે સુનાવણી માટે 10 ફેબ્રુઆરીની તારીખ આપી છે.
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને કહ્યા હતા ‘Poor Lady’
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ બાદ સોનિયા ગાંધીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, Poor lady was tired at the end. તો વળી રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણને કંટાળાજનક ગણાવ્યું હતું. સોનિયા ગાંધીના આ નિવેદન પર રાજકીય હોબાળો મચી ગયો હતો. ભાજપે સોનિયા ગાંધીની આ ટિપ્પણીની આકરી ટીકા કરી હતી. પીએમ મોદીએ પણ કોંગ્રેસ પર તેના લઈને પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: સિનિયર સિટીઝન સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે રૂ 1.28 કરોડની છેતરપિંડી