પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશચંદ્ર સામે ફરિયાદ
રાજકોટ શહેરમાં પોતાને કલ્કી અવતાર ગણાવતા અને અવારનવાર વિવાદોમાં રહેતા રમેશચંદ્ર હરજીભાઈ ફેફર સામે ફરિયાદ નોંધાઈ હતી. રમેશચંદ્રએ ભૂદેવો ઉપરાંત ભગવાન પરશુરામ વિશે પણ ટિપ્પણી કરી હતી. જેને કારણે બ્રહ્મસમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. સમગ્ર મામલે કોઠારીયા રોડ નજીકનાં વિસ્તારમાં રહેતા સની નવીનભાઈ જાનીએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીએ પત્રકાર પરીષદમાં બ્રહ્મસમાજ તેમજ ભગવાન પરશુરામ વિશે અભદ્ર ટીપ્પણી કરી લાગણી દુભાવી હોવાનો એટલું જ નહીં ધમકી પણ આપ્યાનો આરોપ લગાવતા પોલીસે આરોપી રમેશચંદ્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. અમિત શાહ ગાંધીનગર ખાતે યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે.આ મુલાકાત દરમિયાન,શાહ પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે,જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને દમણ દીવ અને દાદરા નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.
માંડવી બીચમાં 4 કિશોરો ડુબ્યા,બે કિશોરોના મોત
કચ્છના માંડવીના રમણીય બીચ પર રવિવારની રજા હોય મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા. બપોરના સમયે ન્હાતી સમયે ચાર કિશોર ડૂબવા લાગતા બૂમાબૂમ થઈ ઉઠી હતી. જેમાં બે કિશોરના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.એક કિશોરને સ્થાનિક બચાવી લીધો હતો. જ્યારે એક કિશોર લાપતા થતા તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.માંડવીના વલ્લભનગર ખાતે રહેલા મન્સૂર રમઝાન સુમરા, ઓવેશ અબ્દુલ મેમણ અને અન્ય બે કિશોર માંડવી બીચ પર ફરવા માટે આવ્યા હતા. ચારેય કિશોર દરિયામાં ન્હાવાની મજા માણી રહ્યા હતા ત્યારે જ દરિયાઈ લહેરમાં ચારેય તણાવા લાગ્યા હતા. જેથી બૂમાબૂમ થતા જ સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મન્સૂર, ઓવેશ અને અન્ય એક કિશોરને બહાર કાઢી લીધા હતા. મન્સૂર અને ઓવેશની હાલત ખરાબ હોય બંનેને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ CPR આપી બંને કિશોરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, કમનસીબે બંનેના મૃત્યુ નિપજ્યા હતા.
જામનગરમાં ભાજપમાં વિવાદ મામલો
ભાજપના જામનગરના સાંસદ, જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને જામનગરના મેયર બીના કોઠારી વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. આ ટપાટપી પછી ત્રણેય નેતાઓને ગાંધીનગરમાં બોલાવાયા હતા. ત્રણેય મહિલા નેતાઓ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને મળ્યા હતા. આ પછી ત્રણેયના વ્યવહારથી ભાજપની આબરુ પર ઘા થયો હોવાથી ત્રણેય પાસેથી માફીપત્ર લખાવી લેવાયાં હોવાનું મનાય છે. આ બાબતે ભાજપ પ્રદેશના મુખ્ય પ્રવકત્તા યમલ વ્યાસને પૂછતા તેમણે કહ્યું હતું કે, ત્રણ મહિલા નેતાઓ પાસે માફીપત્ર લખાવ્યો હોવાનું મારી જાણમાં નથી.
સેરેમનીમાં દસ ટીમના કેપ્ટન પણ હાજર રહેશે
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 4 ઓક્ટોબરે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાય તેવી શક્યતા છે. રિપોર્ટ્સ અનુસાર, આ ઓપનિંગ સેરેમની નાની પરંતુ ભવ્ય રહેશે. જેમાં તમામ 10 ટીમના કેપ્ટન હાજર રહેશે. આ ઈવેન્ટમાં આઈસીસી એક્ઝિક્યુટીવ બોર્ડના સભ્યો ઉપરાંત બીસીસીઆઈના તમામ મોટા અધિકારીઓ હાજર રહેશે. ઓપનિંગ સેરેમની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની ઈવેન્ટ યોજાશે. આ સમયે આઈસીસી તમામ કેપ્ટન માટે વિશેષ સેશનનું આયોજન કરી શકે છે.વન-ડે વર્લ્ડ કપનો પ્રારંભ અમદાવાદથી જ થવાનો છે. 5 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ગત રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની પ્રથમ મેચ રમાશે. આ ઉપરાંત અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચ 14મી ઓક્ટોબરે અને 19 નવેમ્બરે ફાઈનલ પણ મહત્ત્વપૂર્ણ મેચ સહિત કુલ 5 મેચની યજમાની મળેલી છે.
નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ
120 વર્ષમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ નીરજ ચોપરાએ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ઈતિહાસ રચ્યો છે. નીરજે બુડાપેસ્ટમાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ફાઇનલમાં તેણે 88.17 મીટરના તેના શ્રેષ્ઠ પ્રયાસ સાથે સુવર્ણ સફળતા હાંસલ કરી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજની ઐતિહાસિક જીત પર ટ્વીટ કર્યું, પ્રતિભાશાળી નીરજ ચોપરાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેમનું સમર્પણ, ચોકસાઈ અને જુસ્સો તેમને માત્ર એથ્લેટિક્સમાં ચેમ્પિયન જ નહીં પરંતુ સમગ્ર રમતગમતની દુનિયામાં શ્રેષ્ઠતાનું પ્રતીક પણ બનાવે છે. વર્લ્ડ ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન.
જવાન સાથે ‘સાલાર’નું ટ્રેલર રિલીઝ થશે
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું સંગીત 30 ઓગસ્ટે ચેન્નાઈમાં એક ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શાહરૂખ પણ હાજરી આપશે.અહીંથી તેઓ બીજા દિવસે દુબઈ જવા રવાના થશે જ્યાં તેઓ અન્ય એક ભવ્ય કાર્યક્રમમાં સામેલ થશે. આ સિવાય કેટલાક સોશિયલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસની આગામી ફિલ્મ ‘સાલાર’નું ટ્રેલર આ ફિલ્મ સાથે અટેચ કરવામાં આવશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 30 ઓગસ્ટે ચેન્નાઈમાં ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કર્યા બાદ શાહરૂખ બીજા દિવસે દુબઈ જવા રવાના થશે. અહીં તે ફિલ્મનું પ્રમોશન કરશે. આ કાર્યક્રમ દુબઈના અલ-હબતુર શહેરમાં યોજાશે. ચર્ચા છે કે આ દરમિયાન તેઓ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી શકે છે, જે બુર્જ-ખલીફા પર પણ પ્રદર્શિત થઈ શકે છે.