અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં જમીન પચાવી પાડવા મુદ્દે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ સહિત આઠ લોકો સામે ફરિયાદ

અમદાવાદ, 10 ઓગસ્ટ 2024, શહેરમાં ખોટા દસ્તાવેજો કરીને જમીનો પચાવી પાડનારા માથાભારે તત્વો સક્રિય થઈ ગયાં છે. ત્યારે અમદાવાદમાં ચર્ચામાં રહેલા પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. મકરબાની જમીનનો ખોટો દસ્તાવેજ કરીને પચાવી પાડવા બદલ રમણ પટેલ સહિત કુલ આઠ લોકો અમદાવાદ ઝોન CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે જમીન પડાવી લીધી
પ્રાપ્ત વિગતો પ્રમાણે કનુભાઈ બબાભાઈ ઠાકોર મધ્યાહન ભોજનમાં હંગામી ધોરણે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે અમદાવાદ ઝોન CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે કહ્યું છે કે, મારી માતા અને મારા નાનીનું મરણ થયું છે અને મકરબામાં તેમના હકની જમીન છે. જેના વારસદાર તરીકે તેમના સંતાનો છે. તેમની જમીનનું કોઈ દેખરેખ રાખવા વાળું નહીં હોવાથી તે જમીનને હડપ કરવા માટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ સહિત આઠ લોકોએ કાવતરૂ રચ્યું હતું. જેમાં તેમણે જમીનના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતાં. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા નાની 1980માં મૃત્યુ પામ્યા હોવા છતાં આ આરોપીઓએ 1986માં મણીકાંત ત્રિકમલાલ શાહે આ જમીન મારા નાની ગજરીબેન તથા તેમની માતા કરસનબેન પાસે 55902 રૂપિયામાં ખરીદી હોવાનો વેચાણ દસ્તાવેજ કર્યો હતો. આ દસ્તાવેજમાં ગૌતમભાઈ ત્રિકમલાલને ગજરીબેન તથા કરસનબેનના કુલમુખત્યાર તરીકે દર્શાવ્યા હતાં. તેમજ સાક્ષી તરીકે હિતેશ રમણલાલની હાજરીમાં વેચાણ દસ્તાવેજ કર્યો હતો. આ દસ્તાવેજમાં ખોટુ પેઢીનામું બનાવવામાં આવ્યું હતું.

સીઆઈડી ક્રાઈમે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી
આ જમીન ટુકડા ધારા હેઠળ આવતી હોવાથી આ દસ્તાવેજ સિટી કલેક્ટરના હૂકમથી રદ કરવામાં આવ્યો હતો.તે ઉપરાંત આ દસ્તાવેજની સામે રદ કરતો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજમાં સાક્ષી તરીકે બેચરજી ભલાજી ઠાકોર તથા ચંદુલાલ નાનાલાલ મહેતાની સહિયો છે. ગજરીબેન મરણ ગયેલ હોય અને તેમની મરણ નોંધ થઈ હોવાનું જાણવા છતાં આરોપીઓએ ખોટો અને બીજો દસ્તાવેજ તૈયાર કરાવ્યો હતો. જેમાં ગજરીબેન તથા કરસનબેનના ખોટા અંગૂઠા કર્યા હતાં. આવી અનેક રીતો અપનાવીને આરોપીઓએ જમીન હડપી લેવાનો પ્રયત્ન કર્યો છે. રમણ પટેલે ગજરીબેનના ખોટા મરણ સર્ટિફિકેટો બનાવીને અમારી જમીન પડાવી લીધી છે. આ કેસમાં સીઆઈડી ક્રાઈમે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદ: 14,33,300 ની કિંમતના 93.760 ગ્રામનાં MD મૅફેડ્રોન જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે 3 ની ધરપકડ કરી

Back to top button