વડોદરા, 18 જાન્યુઆરી : વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલની પિકનિક દરમિયાન હરણી તળાવમાં મોટી હોનારત સર્જાઈ હતી. જેમાં અત્યાર સુધી 2 શિક્ષિકાઓ અને 13 વિદ્યાર્થીઓ સહિત કુલ 15ના મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનામાં હોડીના કોન્ટ્રાક્ટર કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડની મોટી બેદરકારી સામે આવી છે. 12 બેઠકોની ક્ષમતા ધરાવતી હોડીમાં 27 લોકોને બેસાડ્યા હોવાનો તેમજ લાઈફ જેકેટ પણ પહેરાવ્યા ન હોવાની વિગતો સામે આવી છે. હરણી તળાવમાં હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ હોવાનો ખુલાસો થયો છે. ત્યારે હવે પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં રાજ્ય સરકારે ત્વરિત પગલાં લેતા બોટ સંચાલક સહિત 5 સામે હરણી પોલીસ મથકે ફરીયાદ નોંધવવામાં આવી છે.
બોટમાં 30 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં
બોટમાં સવાર બચી ગયેલા માસુમ બાળકે મીડિયા સામે જણાવ્યું હતું કે, અમારી બોટ ડૂબી ગઈ હતી. થોડા લોકો નીચે જતાં રહ્યાં અને હું એકલો જ હતો અને પછી થોડા લોકો ઉપર આવ્યાં પછી પાઈપ આવી અને પાઈપ પકડીને ઉપર આવી ગયાં. બોટમાં 30 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં જેમાં 7 ટીચર હતાં. બધાને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યાં નહોતાં. જ્યારે વાલીએ કહ્યું કે બોટિંગનો જે ચાર્જ લેવામાં આવે છે ત્યારે બાળકોને લાઈફ જેકેટ વગર એન્ટ્રી અપાય જ નહીં. આ ઘટના સામે કડક પગલાં લેવા જરૂરી છે.
વાલીઓ રાહ જોતા હતા અને અકસ્માતના સમાચારો આવ્યા
એક બાળકની માતાએ રડતા રડતાં મીડિયા સમક્ષ નિવેદન આપતાં કહ્યું હતું કે, મેડમે કહ્યું કે અકસ્માત થયો છે અને બાળકો જાનવી હોસ્પિટલમાં છે. બાળકોને થોડી થોડી ઈજાઓ પહોંચી છે. માતાનો આક્ષેપ છે કે ત્યારે મેડમ જૂઠ્ઠૂ બોલ્યા હતાં. અમે લોકો દોઢ કલાકથી રાહ જોતા હતાં. બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીની માતા નિરાલીબેન માછીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાંથી સવારે 8 વાગ્યે હરણી વોટર પાર્ક અને તળાવ ખાતે પિકનિક લઈ ગયા હતા. ઘરે આવવાની રાહ જોતા હતાં અને આ અકસ્માતના સમાચારો આવ્યાં.
મેડમે બૂમો પાડી અને ગેરેજ પાસે બેઠેલા લોકો દોડ્યા
આ ઘટનામાં બચાવકાર્ય કરનારે મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટના બની ત્યારે મેડમોએ બુમો પાડી એટલે અમે અહીં દોડતા આવ્યા હતા. ત્યાં મેડમોએ કહ્યું કે, બોટ ઊંધી પડેલી છે. અમે ગ્રીલ કૂદીને અંદર જ કૂદકો માર્યો અને 4 જેવા છોકરાઓને તુરંત જ બહાર કાઢ્યા. એક મેડમ પણ ડૂબતા નજરે પડ્યા હતા. એક છોકરાને તો કાદવમાંથી બહાર કાઢ્યો. આ તમામ શ્વાસ લેતા હતા. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેમાં આ લોકોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા.