ભગવાન રામ સાથે રાહુલ ગાંધીની તુલના, રાજસ્થાનના મંત્રી બોલ્યા- પ્રભુથી પણ વધુ ચાલશે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ
દૌસા/રાજસ્થાન: રાજસ્થાન સરકારના ચિકિત્સા મંત્રી પરસાદીલાલ મીણા ફરી એક વખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. પરસાદીલાલ મીણાએ રાહુલ ગાંધીની તુલના ભગવાન રામે સાથે કરી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ભગવાન રામથી પણ વધુ પગપાળા ચાલશે. ભગવાન રામ તો અયોધ્યાથી શ્રીલંકા સુધી પગપાળા ગયા હતા. રાહુલ ગાંધી તો કન્યાકુમારીથી કાશ્મીર સુધી પગપાળા ચાલશે.
મીડિયા રિપોટ્સ મુજબ મંત્રી પરસાદીલાલ મીણાએ આ નિવેદન દૌસામાં આપ્યું. તેઓ લાલસોટના બગડી ગામમાં સીએચસી ભવન સહિત અનેક યોજનાઓનું શિલાન્યાસ કરવા સમયે પોતાનો સંબોધનમાં આ વાત કરી હતી. તેમને ભારત જોડો યાત્રાને લઈને રાહુલ ગાંધીની પ્રશંસા પણ કરી. તેમણે કહ્યું કે ત્રેતા યુગમાં વનવાસના સમયે ભગવાન રામે પણ આટલી લાંબી યાત્રા કરી ન હતી. ભગવાન રામ અયોધ્યાથી શ્રીલંકા સુધી પગપાળા ગયા હતા. તેનાથી પણ વધુ રાહુલ ગાંધીની આ ઐતિહાસિક પદયાત્રા છે જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી જશે.
મંત્રીએ કહ્યું કે દેશમાં જેવું વાતાવરણ છે, સાંપ્રદાયિકતાનું વાતાવરણ બની ગયું છે, ત્યારે રાહુલ ગાંધીએ દેશને જોડવાનું કામ કર્યું છે. આટલી લાંબી પદયાત્રા ન તો ક્યારેય નીકળી છે, કે ન તો ભવિષ્યમાં નીકળશે.