2025માં કંપનીઓ વેતનમાં 9.4 ટકાનો વધારો કરી શકે છે


નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: ભારતીય કંપનીઓ ચાલુ વર્ષે એટલે કે 2025માં કર્મચારીઓના વેતનમાં 9.4 ટકાનો વધારો કરી શકે છે. જે 2024માં કરવામાં આવેલી વેતન વધારા કરતા ઓછો છે. ઇ કોમર્સ ક્ષેત્રમાં સૌથી વધુ 10.5 ટકા વેતન વધવાની આશા સેવાય છે, જે ઓનલાઇન કારોબાર ઝડપથી વધતા, વધી રહેલા ઉપભોક્તા ખર્ચ અને ટેકનિકલ પ્રગતિથી પ્રેરીત છે.
EY ફ્યુચર ઓફ પે રિપોર્ટ મુજબ, ભારતમાં 10 માંથી 6 નોકરીદાતાઓ આગામી ત્રણ વર્ષમાં કર્મચારીઓના પુરસ્કાર અને વેતન વ્યૂહરચના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની સંભાવના શોધવા માટે ઉત્સુક છે.
રિપોર્ટ અનુસાર, નાણાકીય સેવા ક્ષેત્રમાં આ વર્ષે 10.3 ટકા અને વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોમાં 10.2 ટકાનો વેતન વધારો જોવા મળી શકે છે.જોકે, આઇટી અને આઇટી-સક્ષમ સેવાઓ ક્ષેત્રમાં પગાર વૃદ્ધિ ધીમી રહેવાની ધારણા છે. આઇટી ક્ષેત્રમાં વેતન વૃદ્ધિ 2024માં 9.8 ટકાથી ઘટીને 2025માં 9.6 ટકા અને આઇટી-સક્ષમ સેવાઓમાં 9.2 ટકાથી ઘટીને 9 ટકા થવાની ધારણા છે.
ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં વેતન સ્થિર રહેવાની અપેક્ષા છે. ત્યારે રિપોર્ટ અનુસાર, નિફ્ટી ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ટોચની 50 કંપનીઓના સીઈઓના વેતનમાં 2023થી 2024 દરમિયાન 18-20 ટકાનો વધારો થયો છે, જે નોંધપાત્ર વધારો દર્શાવે છે. કર્મચારીઓ નોકરી છોડવાનો દર 2024માં ઘટીને 17.5 ટકા હતો તે 2023માં 18.3 ટકા હતો.
આ પણ વાંચોઃ રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી મળતું ભંડોળ ઘટી શકે છે