કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

ધણી ધોરી વગરનું જુનાગઢના માળીયા હાટીનાનું સામુહિક આરોગ્ય કેન્દ્ર

Text To Speech

અહેવાલ અને ફોટા :- પરેશ વાઢીયા (માળીયા હાટીના-જૂનાગઢ)

  • ત્રણ-ત્રણ MBBS ડોકટરો અને એક સુપ્રિટેન્ડેન્ટની જગ્યા ખાલી
  • દિન પ્રતિદિન ખાડે જતી માળીયા હાટીનાની હોસ્પિટલ

જુનાગઢ : માળીયા હાટીના 15 હજારની વસ્તી ધરાવતો તાલુકો છે. આ તાલુકાનું મોટામાં મોટું સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે માળીયા હાટીનાનું સામુહિક આરોગ્ય કેન્દ્ર. જે છેલ્લા 6-6 માસથી ડોક્ટરો વગર ખાડે ગયું હોય તેવું લાગી રહ્યું છે. માળીયા હાટીનાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી માટે ત્રણ MBBS ડોકટરો અને એક સુપ્રિટેન્ડરની પોસ્ટ રહેલી છે.

છેલ્લા 6-6 માસથી આ હોસ્પિટલ દિન પ્રતિદિન ખાડે જઈ રહી છે કારણ કે આ હોસ્પિટલમાં અત્યારે ત્રણના બદલે એક જ આશિષ શામળા નામના MBBS ડોક્ટર ફરજ બજાવી રહ્યા છે અને તે પણ 11 માસના કરાર પર, કાયમી નથી. જ્યારે બે ડોકટરો અને એક સુપ્રિટેન્ડરની જગ્યા ખાલી રહેલી છે. જેમાં પણ શુક્રવારે આશિષ શામળા પોતે બીમાર હોવાથી માળીયા હાટીનાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે તેમની જગ્યાએ BAMS હોમિયોપેથીક ડોકટર દ્વારા OPD ચલાવવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલ હાલ ડોકટરો નહિ હોવાથી ધણીધોરી વિનાની રહેલી છે. આ હોસ્પિટલમાં કોઈ ડોકટરો નહિ  હોવાથી માળીયા હાટીના તાલુકાના લોકોમાં ઉહાપોહ મચી ગયો છે.

માળીયા હાટીનાના સરપંચ જીતુભાઈ સિસોદિયા હિત રક્ષક સમિતિના પ્રમુખ મહેન્દ્ર ગાંધી તેમજ સભાપતિ હમીરસિંહ સિસોદિયા અને પત્રકારોની ટીમ હોસ્પિટલ દોડી ગયા હતા અને માહિતી મેળવી તાત્કાલિક આ હોસ્પિટલમાં ડોકટરોની નિમણૂક કરવા માટે ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાને ટેલિફોનિક ઉગ્ર રજૂઆતો કરી હતી તેમજ 8 દિવસમાં માળીયાની હોસ્પિટલમાં ડોકટરોની કાયમી નિમણૂક નહિ થાય તો માળીયા હાટીનાના સામૂહિક આરોગ્ય કેન્દ્રને તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

આ પણ વાંચો :હવે ગુજરાતી ઉદ્યોગપતિ બનાવશે iPhone, વિશ્વભરમાં થશે વેચાણ

Back to top button