કોમનવેલ્થ મેડલ વિજેતા કુસ્તીબાજ પૂજા નંદલના પતિનું ડ્રગ્સના ઓવરડોઝથી મોત
કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતનાર કુસ્તીબાજ પૂજા નંદલના પતિ અજય નંદલનું શંકાસ્પદ ડ્રગ્સ ઓવરડોઝથી મોત થઈ ગયું છે. તેમના બે સાથી કુસ્તીબાજ રવિ અને સોનૂ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. અજયના પિતાએ કુસ્તીબાજ રવિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે જેમાં તેમણે તેના પુત્રને ડ્રગ્સ આપવાનો આરોપ લગાવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કુસ્તીબાજોએ મહારાની કિશોરી કોલેજ નજીક અજયની અલ્ટો ગાડીમાં નશીલા પદાર્થનું સેવન કર્યું હતું ત્યારબાદ ત્રણેય બેભાન થઈ ગયા હતા. આજુબાજુના લોકોએ તેઓને જોઈને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં અજયનું મોત થઈ ગયું હતું અને રવિ તથા સોનૂની હાલત હજુ પણ ગંભીર છે.
પત્ની પૂજાએ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
મૃતક અજય નંદલ ગામ ગઢી બોહરનો રહેવાસી હતો અને રાષ્ટ્રીય કક્ષાનો કુસ્તીબાજ હતો. મહિલા કુસ્તીબાજ પૂજા નંદલ સિહાગનો પતિ હતો. પૂજાએ ઈંગ્લેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સમાં 76 કિગ્રા વજન કેટેગરીમાં મહિલા કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. ઘરમાં હજુ મેડલ જીતવાની ખુશી ઓછી પણ નથી થઈ અને તેના પતિનું ડ્રગ્સ ઓવરડોઝથી મોત થઈ જતા ખુશી માતમાં બદલાઈ ગઈ છે. પૂજા અને અજયના લગ્ન દોઢ વર્ષ પહલા જ થયા હતા. બંને પતિ-પત્ની ખૂબ જ સારા કુસ્તીબાજ રહ્યા છે. અજય રાષ્ટ્રીય સ્તરનો કુસ્તીબાજ હતો તો પૂજા આતંરરાષ્ટ્રીય કુસ્તીબાજ છે. મૃતક અજય નંદલ સ્પોર્ટ્સ ક્વોટામાંથી CISFમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતો હતો.
અજયે પોતાની કારમાં બે મિત્રો સાથે સેવન કર્યું હતું
આ ઘટના શનિવારે સાંજે લગભગ 7:00 વાગ્યે મહારાની કિશોરી કોલેજ નજીકની બતાવવામાં આવી રહી છે. અજય નંદલની અલ્ટો કારમાં, ત્રણેય મિત્ર કુસ્તીબાજોએ ડ્રગ્સ લીધો હતો જેનો ઓવરડોઝ થઈ જતા ત્રણેય બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાસ્થળની સમીક્ષા કરી પુરાવા એકત્ર કર્યા હતા. હાલમાં પોલીસે અજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રોહતક પીજીઆઈ મોકલી દીધો હતો.