કોમનવેલ્થ ગેમ્સ 2026: શર્મિલા ધાંકરે ગોળા ફેંકમાં જીત્યો ગોલ્ડ, શિલ્પા શૈલાને બ્રોન્ઝ

Common Wealth Games : કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતની પેરા એથ્લીટ શર્મિલા ધાંકરે મહિલા ગોળા ફેંક F57 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તેમણે સીઝનનો શ્રેષ્ઠ 9.81 મીટરનો થ્રો કરીને ભારતને આ આવૃત્તિનો બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો. બીજી તરફ, ભારતની શિલ્પા શૈલાએ 7.26 મીટરના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.
20 વર્ષ બાદ પેરા એથ્લેટિક્સમાં ભારતને મેડલ
હરિયાણાના છિથરોલી ગામની રહેવાસી શર્મિલા ધાંકરે કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટિક્સમાં ભારતની 20 વર્ષની મેડલ રાહનો અંત લાવ્યો. તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય અને આ સ્પર્ધામાં પેરા એથ્લેટિક્સ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ સાથે જ ભારતે પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં એક જ પેરા એથ્લેટિક્સ ઇવેન્ટમાં બે મેડલ જીતવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે.
પોલિયોથી સંઘર્ષ છતાં ગોલ્ડ સુધીની સફર
40 વર્ષીય શર્મિલાને બે વર્ષની ઉંમરે પોલિયો થયો હતો. જીવનમાં અનેક પડકારો, વહેલા લગ્ન અને પ્રથમ લગ્નજીવનમાં ઘરેલુ હિંસા જેવી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ તેમણે પરિવારના સહકારથી નવી શરૂઆત કરી.
હાલ તેઓ રેવાડીના ઉદ્યોગપતિ અજીત સિંહ સાથે સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા છે અને તેમને બે સંતાનો છે. પતિના પ્રોત્સાહનથી તેમણે 2020માં કોચ ટેક ચંદના માર્ગદર્શન હેઠળ પેરા એથ્લેટિક્સમાં પ્રવેશ કર્યો. 2021માં રાષ્ટ્રીય ચેમ્પિયન બન્યા બાદ તેઓ ભારતની અગ્રણી F57 શોટ પુટ અને ડિસ્કસ થ્રો ખેલાડીઓમાં સ્થાન મેળવી ચૂક્યા છે.
શિલ્પા શૈલાનું પ્રેરણાદાયક પ્રદર્શન
બેંગલુરુની રહેવાસી શિલ્પા શૈલા સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારમાંથી આવે છે. ચાર વર્ષની ઉંમરે માર્ગ અકસ્માતમાં તેમના એક પગની કાર્યક્ષમતા ગુમાવી દીધી હતી. ત્યારબાદ તેમણે પેરા વોલીબોલ મારફતે રમતગમતમાં પ્રવેશ કર્યો અને પછી પેરા એથ્લેટિક્સને કારકિર્દી તરીકે પસંદ કરી.
કોચ ઈશાન એસ.ડી.ના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહેલી શિલ્પાએ સતત મહેનતથી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ ઉભી કરી છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં બ્રોન્ઝ મેડલ જીતવું તેમની કારકિર્દીની મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
ભારત માટે પેરા એથ્લેટિક્સમાં એક જ સ્પર્ધામાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતવાની આ સિદ્ધિ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થઈ છે.
આ પણ વાંચો : શેર બજારમાં મંદીનો માહોલ , સેન્સેક્સ 76,831 અને નિફ્ટી 23,971 પર ઓપન












