ભારતને લાગ્યો ઝટકો, હૉકી-કુશ્તી સહિત કૉમનવેલ્થમાંથી આ ગેમ્સ હટાવાઈ

સ્કોટલેન્ડ, 22 ઓકટોબર : કોમનવેલ્થ ગેમ્સની આગામી આવૃત્તિ 2026માં ગ્લાસગોમાં યોજાવાની છે. આ ઈવેન્ટનો કાર્યક્રમ મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો. તેનું આયોજન સ્કોટલેન્ડમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે. આ એડિશનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ભારતને મોટો આંચકો લાગી શકે છે. ગ્લાસગો એડિશનમાંથી આવી ઘણી રમતો દૂર કરવામાં આવી છે, જેમાં ભારત સારું પ્રદર્શન કરે છે. આ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ પણ મેડલ જીતતા રહ્યા છે. જેમાં હોકી, ક્રિકેટ, કુસ્તી, બેડમિન્ટન અને શૂટિંગ જેવી રમતોનો સમાવેશ થાય છે.
કઈ રમતો દૂર કરવામાં આવી હતી?
કોમનવેલ્થ ગેમ્સની અગાઉની આવૃત્તિ બર્મિંગહામમાં યોજાઈ હતી, જેમાં 19 રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે હોકી, ક્રિકેટ, કુસ્તી, શૂટિંગ, બેડમિન્ટન, ડાઇવિંગ, બીચ વોલીબોલ, રોડ સાયકલિંગ, માઉન્ટેન બાઇકિંગ, રિધમિક જિમ્નેસ્ટિક્સ, રગ્બી સેવન્સ, સ્ક્વોશ, ટેબલ ટેનિસ, પેરા ટેબલ ટેનિસ, ટ્રાયથ્લોન અને પેરા ટ્રાયથલોનને હટાવી દેવામાં આવ્યા છે. ઓછામાં ઓછી 5 રમતો એવી છે જેમાં ભારતે સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ખેલાડીઓ આ ગેમ્સમાં મેડલ લાવી રહ્યા છે. હવે તેમને હટાવવાથી ઘણા મેડલ ગુમાવવા પડી શકે છે.
એક તરફ અનેક ખેલ કાઢી નાખવામાં આવ્યા છે. આ એડિશનમાં કેટલીક ગેમ્સ પણ સામેલ કરવામાં આવી છે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના આયોજકોના જણાવ્યા અનુસાર, આ વખતે એથ્લેટિક્સ, પેરા એથ્લેટિક્સ, બોક્સિંગ, બોલ્સ, પેરા બાઉલ, સ્વિમિંગ, પેરા સ્વિમિંગ, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ, ટ્રેક સાઇકલિંગ, પેરા ટ્રેક સાઇકલિંગ, નેટ બોલ, વેઇટ લિફ્ટિંગ અને પેરા પાવરલિફ્ટિંગ, જુડો, 3*3 બાસ્કેટબોલ અને 3×3 વ્હીલચેર બાસ્કેટબોલ જેવી ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હોકી અને શૂટિંગને યાદીમાંથી શા માટે દૂર કરવામાં આવ્યા?
કોમનવેલ્થ ગેમ્સ 2026 સમાપ્ત થયાના માત્ર 2 અઠવાડિયા પછી હોકી વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. તેનું શેડ્યૂલ 15 ઓગસ્ટથી 30 ઓગસ્ટની વચ્ચે છે, જે બેલ્જિયમના વાવર અને એમ્સ્ટેલવીન અને નેધરલેન્ડ્સમાં થશે. માનવામાં આવે છે કે આને ધ્યાનમાં રાખીને હોકીને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હોકીની બાદબાકીના કારણે ભારતને મોટો ફટકો પડ્યો છે. જેમાં મેન્સ ટીમે ત્રણ વખત સિલ્વર મેડલ અને બે વખત બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જ્યારે મહિલા ટીમે એક ગોલ્ડ મેડલ સહિત કુલ 3 મેડલ જીત્યા છે.
હોકી ઉપરાંત, શૂટિંગ અને કુસ્તી એ બે રમતો છે જેમાં ભારતીય ખેલાડીઓએ છેલ્લી આવૃત્તિમાં મેડલ જીત્યા છે. કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડે તેના પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે તમામ સ્પર્ધાના સ્થળો લગભગ 12 કિલોમીટરની રેન્જમાં હશે. પરંતુ શૂટિંગ રેન્જ ગ્લાસગોથી લગભગ 100 કિલોમીટર દૂર છે. તેથી તેને પણ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. આયોજકોએ આમાંથી ઘણી રમતોને દૂર કરવા પાછળ ટૂંકા સમય મર્યાદા અને નાણાંની અછતને મુખ્ય કારણ ગણાવ્યું છે.
આ પણ વાંચો : દિલ્હી સહિત દેશની તમામ CRPF સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, જાણો અપડેટ