ટોપ ન્યૂઝસ્પોર્ટસ

કોમનવેલ્થ 2022માં ભારત કુલ 61 મેડલ સાથે ચોથા સ્થાને; 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યાં

Text To Speech

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં કુલ 61 મેડલ જીત્યા છે. જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારત માટે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સના છેલ્લા દિવસે પીવી સિંધુ, લક્ષ્ય સેન અને સાત્વિક સાઈરાજની જોડીએ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ બેડમિન્ટનમાં અને અચંતા શરથ કમલે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે જી સાથિયાને ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતીય પુરૂષ હોકી ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ સાથે જ હાલ ભારત ટેબલ ટેલીમાં ચોથા સ્થાને છે.

દેશ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ
ઓસ્ટ્રેલિયા 67 57 54 178
ઈંગ્લેન્ડ 57 66 53 176
કેનેડા 26 32 34 92
ભારત 22 16 23 61
ન્યૂઝીલેન્ડ 20 11 17 49
સ્કોટલેન્ડ 13 11 27 49
નાઇજીરીયા 12 9 14 35
વેલ્સ 8 6 14 28
દક્ષિણ આફ્રિકા 7 9 11 27
મલેશિયા 8 8 8 24

ભારતે ગોલ્ડ કોસ્ટમાં 2018માં 26 ગોલ્ડ સહિત 66 મેડલ જીતીને ટેબલમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. પરંતુ આ વખતે ભારત ત્યાં સુધી પહોંચી શક્યું નહીં. ભારતને કુસ્તીમાં સૌથી વધુ ગોલ્ડ અને સૌથી વધુ મેડલ મળ્યા છે. તેમાં છ ગોલ્ડ, એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ સહિત 12 મેડલ જીત્યા છે. લિફ્ટર્સે ભારતીય અભિયાનની સારી શરૂઆત કરતા ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ સહિત 10 મેડલ જીત્યા હતા. સંકેત સરગરે (પુરુષોની 55 કિગ્રા) બર્મિંગહામ 2022માં સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું.

સંકેત સાગર, ગુરુરાજ પૂજારી, બિંદિયારાની દેવી અને મીરાબાઈ ચાનુએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022ના બીજા દિવસે વેઈટલિફ્ટિંગમાં મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું હતું. ભારતે 12 અલગ-અલગ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં તેના મેડલ જીત્યા હતા. ભારત કુસ્તી, વેઈટલિફ્ટિંગ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસ (પેરા ટેબલ ટેનિસ સહિત)માં વ્યક્તિગત મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું હતુ. વિમેન્સ ફોર લૉન બૉલિંગ ફોર ટીમે આ રમતમાં ભારતને પ્રથમવાર ગોલ્ડ મેડલ અપાવીને ઇતિહાસ રચી દીધો હતો. આ સાથે જ પુરુષ ટીમે પણ સિલ્વર મેડલ જીત્યો હતો.

બોક્સરોએ પણ બર્મિંગહામમાં ભારતની શાન જાળવી રાખતા સાત જેટલા મેડલ જીત્યા હતા. જેમાં નિખત ઝરીન (50 કિગ્રા), અમિત પંઘાલ (51 કિગ્રા) અને નીતુ (48 કિગ્રા)એ ગોલ્ડ જીત્યો હતો. જ્યારે જાસ્મીન (60 કિગ્રા), મોહમ્મદ હુસામુદ્દીન (57 કિગ્રા) અને રોહિત ટોકસે (67 કિગ્રા) બ્રોન્ઝ જીત્યો હતો. આ ઉપરાંત સાગર અહલાવતે (92 કિગ્રા) બોક્સિંગમાં ભારતનો એકમાત્ર સિલ્વર જીત્યો હતો.

પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલની હેટ્રિક ફટકારી હતી. તેમણે CWG 2022માં ગોલ્ડ જીતતા પહેલાં અગાઉની આવૃત્તિઓમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. લક્ષ્ય સેન, સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મેન્સ સિંગલ અને ડબલ્સ ઈવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા અને CWG 2022માં ભારતે બેડમિન્ટનમાં છ મેડલ જીત્યા હતા.

એથ્લેટિક્સમાં એલ્ઘોષ પોલ અને અબ્દુલ્લા અબુબકરે પુરુષોની ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યા બાદ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. અવિનાશ સાબલે બર્મિંગહામમાં ભારતીય એથ્લેટ દ્વારા 3000 મીટર સ્ટીપલચેસમાં સિલ્વર જીતીને શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન કર્યું હતું. અનુભવી અચંતા શરથ કમલે તેની પાંચમી કોમનવેલ્થ ગેમ્સમાં રમેલી તમામ ચાર ટેબલ ટેનિસ ઈવેન્ટ્સમાં મેડલ જીત્યા હતા. આ ઉપરાંત તેમણે મિશ્રિત યુગલમાં સ્વર્ણ પદક જીત્યો હતો.

વિનેશ ફોગાટે કુસ્તીમાં ગોલ્ડ મેડલની હેટ્રિક પૂરી કરી ભારતીય કુસ્તીબાજોએ સતત બીજી વખત તમામ ઇવેન્ટમાં મેડલ જીત્યા છે. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે એક જ આવૃત્તિમાં પુરૂષ અને મહિલા બંને હોકી ઈવેન્ટ્સમાં મેડલ જીત્યા છે. પુરૂષોએ સિલ્વર જ્યારે મહિલાઓએ બ્રોન્ઝ જીત્યો હતો.

સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતીયોની યાદી:

અચિંત શેઉલી – વેઈટ લિફ્ટિંગ
જેરેમી લાલરિનુંગા – વેઈટલિફ્ટિંગ
મીરાબાઈ ચાનુ – વેઈટલિફ્ટિંગ
રૂપા રાની તિર્કી, લવલી ચૌબે, નયનમોની સાયકિયા, પિંકી સિંહ – લૉન બોલ્સ
બજરંગ પુનિયા – કુસ્તી
સાક્ષી મલિક – રેસલિંગ
દીપક પુનિયા – કુસ્તી
રવિ કુમાર દહિયા – કુસ્તી
વિનેશ ફોગટ – કુસ્તી
નવીન મલિક – કુસ્તી
નિખત ઝરીન – બોક્સિંગ
અમિત પંઘાલ – બોક્સિંગ
નીતુ ગંગાસ – બોક્સિંગ
સુધીર – પાવરલિફ્ટ
પીવી સિંધુ – બેડમિન્ટન
લક્ષ્ય સેન – બેડમિન્ટન
ચિરાગ શેટ્ટી, સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી – બેડમિન્ટન
અચંતા શરથ કમલ – ટેબલ ટેનિસ
શરથ કમલ-શ્રીજા અકુલા – ટેબલ ટેનિસ
હરમીત દેસાઈ, સાનિયા શેટ્ટી, શરથ કમલ, જી. સાથિયાન – ટેબલ ટેનિસ
ભાવિના પટેલ – પેરા ટેબલ ટેનિસ
એલ્ડોસ પોલ – ટ્રાઇજમ્પ

Back to top button