ટ્રેન્ડિંગનેશનલવિશેષ

દેશની સંપત્તિમાં સામાન્ય વર્ગનો હિસ્સો 89% છે, દલિત સમુદાય પાસે છે માત્ર 2.6%

નવી દિલ્હી, 15 જૂન : દેશની 85 ટકાથી વધુ સંપત્તિ ઉચ્ચ જાતિ એટલે કે સામાન્ય વર્ગના લોકો પાસે છે. જ્યારે અનુસૂચિત જાતિ વર્ગના લોકો પાસે માત્ર 2.6 ટકા હિસ્સો છે. આ આંકડા વર્ષ 2022 સુધીના છે. આ માહિતી વિશ્વ અસમાનતા લેબ દ્વારા બિઝનેસ સ્ટાન્ડર્ડ સાથે શેર કરાયેલા સંશોધનમાંથી સામે આવી છે.

આ સંશોધન ચોક્કસપણે સામાજિક-આર્થિક અસમાનતાને પ્રકાશિત કરે છે. સંશોધન એ પણ બતાવે છે કે દેશની કુલ સંપત્તિનો મોટો હિસ્સો બહુ ઓછા લોકો પાસે છે અને આ દર્શાવે છે કે સામાજિક-આર્થિક અસમાનતાના મૂળ કેટલા ઊંડા છે.

મે 2024માં બહાર પાડવામાં આવેલ આ સંશોધનને ‘Towards Tax Justice and Wealth Re-distribution in India’ શીર્ષક સાથે પ્રકાશિત કરવામાં આવ્યું છે. એનએસએસઓ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ દેશમાં ઓબીસી કેટેગરીની વસ્તી 40.94%, એસસી કેટેગરીની વસ્તી 19.59%, એસટી કેટેગરીની વસ્તી 8.63% અને અન્ય કેટેગરીની વસ્તી 30.80% છે.

કુલ સંપત્તિમાં દરેક જાતિનો કેટલો હિસ્સો છે તે નીચે આપેલા કોષ્ટક પરથી સમજી શકાય છે.

આદિવાસી સમુદાયમાંથી કોઈ અબજોપતિ નથી

વર્ષ સર્વણો (ટકામાં) ઓબીસી (ટકામાં) દલિતો (ટકામાં)
2013 80.3 17.8 1.8
2014 78.1 20 1.9
2015 78.4 17.6 4
2016 79.7 16.8 3.5
2017 80.1 16.1 3.7
2018 81.7 14.4 4
2019 81.4 15.2 3.5
2020 84.3 11.6 4.1
2021 86 10.1 3.9
2022 88.4 9 2.6

ઓક્સફેમ ઇન્ટરનેશનલ રિપોર્ટ

ગયા વર્ષે ઓક્સફેમ ઈન્ટરનેશનલે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો અને તેમાં ખુલાસો થયો હતો કે ભારતના સૌથી ધનિક 1% લોકો દેશની કુલ સંપત્તિના 40%થી વધુની માલિકી ધરાવે છે. જ્યારે અડધી વસ્તી કુલ સંપત્તિના માત્ર 3% જ ધરાવે છે. જો ભારતના દસ સૌથી ધનાઢ્ય લોકો પર 5% ટેક્સ લાદવામાં આવે તો તમામ બાળકોને શાળાએ મોકલવા માટે પર્યાપ્ત રકમ જનરેટ થઈ શકે છે.

દેશની કુલ સંપત્તિમાં ઓબીસીનો હિસ્સો 9 ટકા

દેશની કુલ સંપત્તિમાં ઓબીસીનો હિસ્સો 9% છે. રાહુલ ગાંધીએ તેમની ચૂંટણી રેલીઓમાં જાતિ ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે અલગ-અલગ વિસ્તારોમાં ઓબીસીનો હિસ્સો શું છે તે જાણવા મળશે. તેમણે કહ્યું કે દેશમાં 90 ટકા વસ્તી એસસી-એસટી, ઓબીસી અને લઘુમતીઓની છે પરંતુ તેઓને તેમની વસ્તી મુજબ મીડિયા, ખાનગી સંસ્થાઓ, નોકરશાહી અને કોર્પોરેટમાં ભાગીદારી નથી મળી રહી.

નવા અબજોપતિઓ પણ ઉચ્ચ જાતિના

આ રિસર્ચ રિપોર્ટ પેરિસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના અનમોલ સોમાંચીનું છે. સોમાંચીનું કહેવું છે કે આ રિપોર્ટ દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં જે નવા અબજોપતિ બન્યા છે તેમાં મોટી સંખ્યામાં સવર્ણ જાતિના છે. જ્ઞાતિ શિક્ષણ, આરોગ્ય, સોશિયલ નેટવર્ક નક્કી કરે છે. દેશના ઘણા વિસ્તારોમાં દલિતોને જમીન ધરાવવાની મંજૂરી નથી અને તેનાથી તેમની આર્થિક પ્રગતિ પર અસર પડે છે.

‘સ્ટેટ ઓફ વર્કિંગ ઈન્ડિયા 2023’ રિપોર્ટ

અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા ‘સ્ટેટ ઑફ વર્કિંગ ઈન્ડિયા 2023’ શીર્ષકના અહેવાલ અનુસાર, ભારતમાં SC અને ST વર્ગના લોકો અન્ય સમુદાયોની તુલનામાં ખૂબ જ ઓછી સંસ્થાઓના માલિક છે. એસસી-એસટી સમુદાયો સામે સામાજિક રીતે ભેદભાવ કરવામાં આવે છે અને સંસાધનો, શિક્ષણ અને આર્થિક તકોનો અભાવ પણ જોવા મળ્યો છે.

કયા વર્ગના કેટલા ઉદ્યોગપતિઓ?

વર્ગ રોજગારીનો હિસ્સો ઉદ્યોગપતિની સંખ્યા
SC 19.3 11.4
ST 10.1 5.4
OBC 43.5 41
અન્ય 27.1 42.1

કુલ સંપત્તિમાં સવર્ણ હિંદુઓનો 41% હિસ્સો

વર્ષ 2019માં એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ દલિત સ્ટડીઝ દ્વારા 2 વર્ષ સુધી કરવામાં આવેલા અભ્યાસ બાદ જણાવવામાં આવ્યું હતું કે દેશની કુલ વસ્તીમાં સવર્ણ હિંદુઓ 22.3% છે. તેમની પાસે દેશની કુલ સંપત્તિના 41% છે અને તેઓ સૌથી ધનિક વર્ગ છે. જ્યારે 7.8% હિંદુ આદિવાસીઓ પાસે માત્ર 3.7% મિલકત છે.

Back to top button