ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

ડીસામાં 100 બેડની આધુનિક સુવિધાથી સજ્જ ‘નિમ્સ હોસ્પિટલ’ નો પ્રારંભ

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં આધુનિક સુવિધાથી સજ્જ એવી ડીસા શહેરમાં ત્રણ માળની 100 બેડ ધરાવતી હોસ્પિટલનું ઉદઘાટન રવિવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે અંગ દાન મહાદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ આશીર્વાદ આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં પહેલીવાર એવી હોસ્પિટલનો પ્રારંભ થયો છે.જ્યાં દાખલ કરનાર દર્દીને રાહત દરે સારવાર ઉપલબ્ધ થશે.100 બેડની નિમ્સ હોસ્પિટલ (નીરોગી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ) નો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

 

ગુજરાત, રાજસ્થાનના સંસદ સભ્યો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે હોસ્પિટલના ઉદ્ઘાટન બાદ યોજાયેલા સમારોહમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલ શરૂ કરવી અને તેનું સંચાલન કરવું એ કંઈ ખાવાના ખેલ નથી. ડીસાના કનુભાઈ વ્યાસે 100 બેડની આધુનિક સાધનોથી સજ્જ હોસ્પિટલ બનાવી છે. જેનાથી ગુજરાત જ નહીં રાજસ્થાનના દર્દીઓને પણ સારી સારવાર મળી રહેશે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે ઉદઘાટન કરાયું
સી. આર. પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની આયુષ્યમાન યોજનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે અગાઉના સમયમાં માતા કે પિતા પોતાને કોઇ ગંભીર બીમારી થઈ હોય તો પોતાના દીકરાને તેની જાણ કરતા નહોતા. કારણ કે તેમની સારવાર પાછળ દીકરો દેવાદાર ન થાય તે માટે તેઓ બીમારીછુપાવતા આવતા હતા. પરંતુ હવે છુપાવવાની કોઈ જરૂર રહેતી નથી. વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના આયુષ્યમાન યોજનાના કારણે ગમે તેવી જટિલ બીમારીમાં ગરીબ કે સામાન્ય દર્દી વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે. તેઓએ ઉમેર્યું હતુ કે, આ હોસ્પિટલ સેવાભાવથી ચાલે અને ગુજરાત તેમજ રાજસ્થાનથી આવતા દર્દીઓની સારી સારવાર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે આશીર્વચન માટે ઉપસ્થિત રહેલ અંગ દાન મહાદાન અભિયાનના પ્રણેતા દિલીપ દેશમુખે હોસ્પિટલમાં દર્દીઓને સારી સારવાર પ્રાપ્ત થાય અને દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે જાય તેવી શુભકામના વ્યક્ત કરી હતી. તેઓએ અંગદાન અંગે જણાવ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આજે વર્લ્ડ રેકોર્ડ થયો છે. સતત છ દિવસથી દાતાઓના અંગનું દાન મળ્યું છે. દુનિયાની કોઈપણ હોસ્પિટલમાં ના બને તેવી આ ઘટના છે. તેઓએ અંગદાનના મહત્વને જણાવતાં કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિની જીવન જ્યોત બૂજાય તે પહેલા અંગદાન કરીને અન્યને નવજીવન -પ્રાણજીવન આપી દુનિયામાંથી વિદાય લે તો તેનું જીવન ધન્ય બની જાય છે. તેઓએ અંગદાનને શ્રેષ્ઠ દાન- મહાદાન ગણાવ્યું હતું.

 

આધુનિક સાધનોથી સજ્જ હોસ્પિટલમાં દર્દીઓને ઉત્તમ સારવાર મળશે
નિમ્સ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા, પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, સાંસદ પરબતભાઇ પટેલ, દિનેશભાઈ અનાવાડિયા, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, રાજસ્થાનના ઝાલોર ના ધારાસભ્ય નારાયણસિંહ દેવલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણ, પૂર્વ ભાજપ મહામંત્રી કે.સી. પટેલ સહિત હોસ્પિટલ સાથે જોડાયેલ ડોક્ટરોની ટીમ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કનુભાઈ તેમજ તેમની ટીમને નવા સાહસ બદલ શુભકામનાઓ પાઠવી હતી.

 

બધીજ સારવાર એક જ જગ્યાએ પ્રાપ્ત થશે
નિમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર કનુભાઈ વ્યાસએ જણાવ્યું હતું કે, આધુનિક હોસ્પિટલમાં લેબોરેટરી એક્સ-રે સોનોગ્રાફી સહિત બધી જ સુવિધાઓ એક જ જગ્યાએ દાખલ કરનાર દર્દી ને પ્રાપ્ત થશે. જેથી તેમને બિનજરૂરી દોડધામમાંથી મુક્તિ મળશે. અત્યારે આઝાદી ના અમૃત મહોત્સવ દરમિયાન વર્તમાન કે નિવૃત્ત અર્ધસરકારી દળ કે આર્મીમાં ફરજ બજાવતા હોય તેવા જવાન અને તેમના પરિવારની આ હોસ્પિટલમાં વિઝિટ ફી લેવામાં આવશે નહીં. જ્યારે ગામડાઓમાં અને સોસાયટીઓમાં કેમ્પ કરીને નિદાન તેમજ ચેકઅપ કેમ્પ લોકો માટે યોજાશે.

હોસ્પિટલ ઉપલબ્ધ થનારી સુવિધા
100 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ
એનએબીએચ ગાઈડ લાઈનઅનુસાર મોડ્યુલર
ઓપરેશન થિયેટર
આયુષ્યમાન કાર્ડની સુવિધા
24 કલાક તબીબની ઉપસ્થિતિ
24 કલાક ઇમરજન્સી સેવાઓ
નિષ્ણાત ડોક્ટરની ઉપસ્થિતિ
લેબોરેટરી, ફાર્મસી, એમ્બ્યુલન્સની સુવિધા
પુરુષ -મહિલા દર્દીઓ માટે સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ રૂમ, શયૂટ, જનરલ વોર્ડ
દરેક બેડ સેન્ટ્રલ ઓક્સિજન લાઈનથી સજ્જ રેડિયોલોજી, એક્સ-રે, સોનોગ્રાફી, સીટી સ્કેન, એમઆરઆઇની સુવિધા સ્ટીરીલાઝેશન વિભાગની સુવિધા
દર્દીઓ અને તેમના સગા માટે જમવાની કેન્ટિં
50 સીસીટીવી કેમેરા, વિશાળ વેટિંગ એરિયા
24 કલાક સિક્યોરિટી અને વિશાળ પાર્કિંગની વ્યવસ્થા હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.

Back to top button