કોમેડિયન ભારતી અને યુ ટ્યૂબર એલ્વિશ યાદવ ફસાયાં નવી મુસીબતમાં, 500 કરોડની ઠગાઈ મામલે પોલીસે મોકલ્યું સમન્સ

મુંબઈ, તા.3 ઓક્ટોબર, 2024: કોમેડિયન ભારતી, યુ ટ્યૂબર એલ્વિશ યાદવ તથા અન્ય ત્રણ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅંસર નવી મુસીબતમાં મુકાઈ શકે છે. રૂ. 500 કરોડની ઠગાઈ મામલે પોલીસે તેમને સમન્સ મોકલ્યું છે. આ લોકો સામે તેમના સોશિયલ મીડિયા પેજ પર હાયબોક્સ મોબાઇલ એપનો પ્રચાર કરવાનો આરોપ છે. આ એપે લોકો સાથે 500 કરોડની છેતરપિંડી કરી હતી.
પોલીસે જણાવ્યું કે, તેમને 500થી વધારે ફરિયાદ મળી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે સોશિયલ મીડિયા ઈનફ્લુઅંસર અને યુટ્યૂબરે તેમના પેજ પર હાયબોક્સ મોબાઇલ એપનો પ્રચાર કર્યો હતો અને લોકોને એપ દ્વારા રોકાણ કરવા પ્રેરિત કર્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ મામલે મુખ્ય આરોપી શિવરામ (ઉ.વ.30)ની ધરપકડ કરી લેવામાં આવી છે. તે ચેન્નઈનો રહેવાસી છે.
ફરિયાદમાં કોના કોના છે નામ
- સૌરવ જોશી
- અભિષેક મલ્હાન
- પૂરવ ઝા
- એલ્વિશ યાદવ
- ભારતી સિંહ
- હર્ષ લિંબાચિયા
- લક્ષ્ય ચૌધરી
- આદર્શ સિંહ
- અમિત
- દિલરાજસિંહ રાવત
30,000થી વધુ લોકોએ એપથી કર્યુ રોકાણ
ડીસીપી હેમંત તિવારીએ જણાવ્યું, હાયબોક્સ એક મોબાઇલ એપ છે. જે સુનિયોજિત છેતરપિંડીનો હિસ્સો હતી. આ એપના માધ્યમ દ્વારા આરોપીઓ પ્રતિ દિવસ એક થી પાંચ ટકા ગેરંટેડ રિટર્ન આપવાનો વાયદો કર્યો હતો. જે એક મહિનામાં 30 થી 90 ટકા થાય છે. આ એપને ફેબ્રુઆરી 2024માં લોન્ચ કરવામાં આવી હતી. એપથી 30,000 કરતાં વધુ લોકોએ પૈસાનું રોકાણ કર્યુ હતું. શરૂઆતના પાંચ મહિનામાં લોકોને સારું વળતર મળ્યું હતું. જોકે જુલાઈથી એપમાં ટેકનિકલ ખામી, કાનૂની મુદ્દા, જીએસટીનો ઉલ્લેખ કરીને ચૂકવણી બંધ કરી દેવામાં આવી હતી.
મુખ્ય આરોપીની ધરપકડ
ડીસીપી તિવારીના કહેવા મુજબ, કંપનીએ ઉત્તરપ્રદેશના નોયડામાં ઓફિસ ખોલી હતી. આ મામલો સામે આવ્યા બાદ ત્યાં તાળા લાગી ગયા હતા. આરોપી શિવરામની ધરપકડ કરી લેવામાં આવી છે, જે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. તેના ચાર અલગ અલગ બેંક ખાતામાંથી 18 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, 16 ઓગસ્ટે ઈન્ટેલિજેન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેઝિક ઓપરેશન્સને હાયબોક્સ એપ સામે 29 ફરિયાદ મળી હતી. જેમાં અરજીકર્તાઓએ તેમના રોકાણ પર તગડું વળતર આપવાનો વાયદો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ આ રાજ્યમાં ઘરમાં આવેલી તમામ ટૉયલેટ સીટ પર આપવો પડશે ટેક્સ, જાણો દર મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડશે