Kinetic Lunaનું 50 વર્ષ બાદ ComeBack: હવે મળશે ઇલેક્ટ્રીક રૂપમાં
‘ચલ મેરી લ્યુના ટીક ટીક ટીક’ નાના હોઇશું ત્યારે આવું વાક્ય લગભગ દરેકે સાંભળ્યુ હશે. ભારતમાં ટુ-વ્હીલર મોબિલિટીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર મોપેડને કોણ ભુલી શકે? 50 વર્ષ પહેલા ભારતીય ટુ વ્હીલર બજારમાં તેની બોલબાલા હતી. તેનો ઉલ્લેખ એટલે થઇ રહ્યો છે કેમકે આ ટુ વ્હીલર ભારતમાં એક વાર ફરી વાપસી કરવા માટે તૈયાર છે, પરંતુ આ વખતે તે નવા રંગ-રૂપ એટલે કે ઇલેક્ટ્રિક અવતારમાં છે.
શરૂ થયુ ઉત્પાદન
આ વખતે Kinetic Lunaમાં એક ઓલ-ઇલેક્ટ્રિક પાવરટ્રેન આપવામાં આવી છે. Kinetic Engineering Ltd. (KEL)એ જાહેરાત કરી છે કે તેણે કાઇનેટિક લ્યુના ઇલેક્ટ્રિકના ચેસિસ અને અન્ય એસેંબલિઓનું ઉત્પાદન પહેલા જ શરૂ કરી દીધું હતુ. કંપનીએ કહ્યુ કે શુન્ય ઉત્સર્જન ટુ વ્હીલર ઝડપથી લોન્ચ કરવામાં આવશે. કંપનીએ એક નિયામક ફાઇલિંગમાં દાવો કર્યો છે કે કાઇનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ આ ઇવીનું વેચાણ કરશે.
દર મહિને થશે આટલા યુનિટ્સનું નિર્માણ
કેઇએલના મુખ્ય ચેસિસ, મુખ્ય સ્ટેન્ડ, સાઇડ સ્ટેન્ડ અને સ્વિંગ આર્મ સહિત ઇલેક્ટ્રિક લ્યુના માટે તમામ ઉપસમુહોને વિકસિત કરવાનો દાવો કર્યો છે. કંપનીનો એવો પણ દાવો છે કે પ્રોડક્શન લાઇનમાં શરૂઆતમાં દર મહિને 5000 યુનિટ્સના નિર્માણની ક્ષમતા હશે.