રાજકોટમાંથી 2.13 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે કોલેજીયન ઝડપાયો
- યુનિવર્સિટી રોડ ઉપર એસઓજી પોલીસનો દરોડો
- કુલ રૂ.2.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
રાજકોટ, 9 જાન્યુઆરી : રાજકોટના યુનિવર્સિટી રોડ નજીક પુષ્કરધામ પાસે આવેલા ભવાનીનગર વિસ્તારમાંથી એસઓજીએ બાતમીના આધારે કોલેજીયન યુવાનને 2.13 લાખના મેફોડ્રોન ડ્રગ્સ સાથે પકડી લીધો હતો. પૂછપરછમાં છાત્ર ડ્રગ્સ અન્ય રાજ્યોમાંથી લાવ્યાનું રટણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ પાસે આવેલા ભવાનીનગર-2માં શેરી નં.1ના ખુણા પાસેથી એસઓજીએ બાતમીના આધારે અંશુ ઉર્ફે અંશુડો બાબુભાઈ ચૌહાણ (ઉ.વ. 20, રહે. ગુ.હા. બોર્ડના ક્વાર્ટર, ભગવતસિંહ ગાર્ડન પાસે, યુનિ. રોડ, મુળ આઝમગઢ, યુપી)ને પકડી તલાસી લેતા તેની પાસેથી રૂા.2,13,500ની કિંમતનું 21.35 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતા પોલીસે ડ્રગ્સ ઉપરાંત ફોન અને સ્કૂટર મળી કુલ રૂા. 2.78 લાખનો મુદામાલ કબ્જે કરી ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
પોલીસ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપી રાજકોટમાં કોલેજમાં બીબીએમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેના પિતા ફર્નિચર કામ કરે છે. પૂછપરછમાં ડ્રગ્સ અન્ય રાજ્યમાંથી લાવ્યાનું આરોપીએ રટણ કર્યું હતું અને આ તેની પાંચમી ખેંપ હતી જેથી અગાઉ તે ક્યારે અને કેટલું ડ્રગ્સ લાવ્યો હતો તે અંગે ગાંધીગ્રામ-2 પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની વધુ પુછપરછ શરૂ કરી હતી.
આ પણ વાંચો :- PM મોદીના પરીક્ષા પે ચર્ચા 2025ના કાર્યક્રમને અભૂતપૂર્વ સમર્થન, રેકોર્ડબ્રેક 2.79 કરોડ નોંધણી થઈ