ઉત્તર ભારતમાં ઠંડીના કહેર સાથે વરસાદની શક્યતા
ઉત્તર ભારતમાં ભારે પવન અને વરસાદની પ્રક્રિયા ચાલી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 જાન્યુઆરી, રવિવારે ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. વરસાદને કારણે આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો શુક્રવારે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી હતું, જે આ મહિનાનું સૌથી વધુ તાપમાન હતું.
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. આ દરમિયાન 29 અને 30 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં પણ વરસાદની સંભાવના છે. 28 અને 29 જાન્યુઆરીએ રાજસ્થાનમાં અને 29 જાન્યુઆરીએ દિલ્હીમાં પણ આવી જ સ્થિતિ રહેશે. દિલ્હીમાં આજે પણ જોરદાર પવન ફૂંકાવવાની સંભાવના છે.
આ રાજ્યોમાં કરા પડશે
આ ઉપરાંત પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 29 અને 30 જાન્યુઆરીએ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં 29 જાન્યુઆરી સુધી કરા પડવાની પણ શક્યતા છે. 29 અને 30 જાન્યુઆરીએ ઉત્તર પશ્ચિમ ભારતમાં 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. ત્યાર બાદ બે દિવસ દરમિયાન તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
ફરી એકવાર શીત લહેરની શક્યતા
28 જાન્યુઆરીએ પંજાબ અને હરિયાણાના જુદા જુદા ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિની અપેક્ષા છે. આગામી 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના અલગ-અલગ સ્થળોએ લોકોને સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડશે.