કેવી રીતે કામ કરશે મસ્કની સ્ટારલિંક ઈન્ટરનેટ સેવા? જાણો પૂરી વિગતો

નવી દિલ્હી, 12 માર્ચ, 2025: દેશ અને દુનિયાના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ થોડાં વર્ષ પહેલાં કહ્યું હતું કે, ડેટા ઈઝ ન્યૂ ઓઈલ. અર્થાત જેમ એક જમાનામાં દુનિયા માટે ઓઇલ સૌથી અગત્યની કોમોડિટી હતી તેમ હવે ડેટા – ઈન્ટરનેટ ડેટા સૌથી અગત્યનો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ત્યારબાદ એક ભાષણમાં આ જ શબ્દોનો પુનરોચ્ચાર કર્યો હતો કે, ડેટા ઈઝ ન્યૂ ઓઈલ. આજના ટેકનોલોજીના યુગમાં ઇન્ટરનેટ એક મૂળભૂત જરૂરિયાત બની ગઈ છે. આપણા ઘણા રોજિંદાં કાર્યો હવે ઇન્ટરનેટ પર આધારિત છે. તેથી ઇન્ટરનેટ વિના થોડા કલાકો પણ ટકી રહેવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. જોકે, આજે પણ દેશ અને દુનિયામાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી. આજે પણ ભારતના ઘણા દૂરનાં ગામડાઓમાં ઇન્ટરનેટ નથી. આવાં સ્થળોએ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવા માટે સેટેલાઇટ ઇન્ટરનેટ એક ઉત્તમ ઉકેલ હોઈ શકે છે.
છેલ્લા થોડા દિવસથી આ અંગે મસ્ક અને તેમની સ્ટારલિંક કંપની ચર્ચામાં છે. સેટેલાઇટ ઇન્ટરનેટના ક્ષેત્રમાં ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનો સ્ટારલિંક Starlink satellite internet પ્રોજેક્ટ તાજેતરના સમયમાં ઝડપથી ઉભરી આવ્યો છે. સ્ટારલિંકે ઘણા દેશોમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા પણ શરૂ કરી છે. હવે ભારતમાં પણ તેના લોન્ચ માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. ભારતમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે જિયો અને એરટેલે કંપની સાથે ભાગીદારી કરી છે. તો સૌને એ જાણવાની ઉત્સુકતા હશે કે સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ આપણા ઘર સુધી કેવી રીતે પહોંચશે અને તેમાં આપણને ડેટા સ્પીડ કેટલી મળશે?
ઈલોન મસ્કની સ્ટારલિંક વપરાશકર્તાઓને સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે. તે લો અર્થ ઓર્બિટ (LEO) ઉપગ્રહોનો ઉપયોગ કરીને હાઇ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરે છે. સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાની સૌથી ખાસ વાત એ છે કે તે હાલના ઇન્ટરનેટ માધ્યમ કરતાં અનેક ગણી ઝડપી ગતિ પ્રદાન કરે છે. જ્યારે વર્તમાન ઇન્ટરનેટ માધ્યમ કેબલ અથવા ટાવર દ્વારા ઇન્ટરનેટ પૂરું પાડે છે, ત્યારે સ્ટારલિંક વપરાશકર્તાઓને સેટેલાઇટ દ્વારા સીધી ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડે છે. આ માટે કંપની વપરાશકર્તાઓને એક કીટ આપે છે જેમાં રાઉટર, પાવર સપ્લાય કેબલ અને માઉન્ટિંગ ટ્રાઇપોડનો સમાવેશ થાય છે.
સ્ટારલિંક દ્વારા સેટેલાઇટ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાઓને DTH જેવું ડીશ એન્ટેના મળે છે જે ખુલ્લી જગ્યામાં સેટઅપ કરવું પડે છે. આ એન્ટેના ઉપગ્રહમાંથી સીધા સિગ્નલ મેળવે છે અને પછી તેને એન્ટેના મોડેમ દ્વારા ઉપકરણમાં ટ્રાન્સમિટ કરે છે. સ્ટારલિંક વપરાશકર્તાઓને એક એપની સુવિધા પણ પૂરી પાડે છે, જેના દ્વારા તમે તેને સેટ કર્યા પછી ખૂબ જ સરળતાથી તેનું નિરીક્ષણ કરી શકો છો.
સેટેલાઇટ ઇન્ટરનેટની કામ કરવાની રીત સંપૂર્ણપણે અલગ છે
પહેલા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર એટલે કે ISP ડેટા સેન્ટરમાંથી ઇન્ટરનેટ ડેટા સેટેલાઇટમાં મોકલે છે. આ પછી, ISP દ્વારા મોકલવામાં આવેલા ડેટા લો અર્થ ઓર્બિટમાં હાજર સ્ટારલિંક સેટેલાઇટ સુધી પહોંચે છે. સ્ટારલિંકના આ ઉપગ્રહો પૃથ્વીથી લગભગ 550 કિલોમીટરની ઊંચાઈ પર છે અને સમગ્ર ગ્રહ પર જુદી જુદી દિશામાં ફરતા રહે છે. વપરાશકર્તા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે ત્યારે તેણે નેટ પર મૂકેલી વિનંતી પહેલા ઘરમાં સ્થાપિત ડીશ એન્ટેના સુધી પહોંચે છે, જે તેને સ્ટારલિંક સેટેલાઇટમાં ટ્રાન્સમિટ કરે છે. આ પછી ડેટા ફરીથી ઇન્ટરનેટ સાથે જોડાય છે અને વપરાશકર્તાને પહોંચાડવામાં આવે છે. આ આખી પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે કે તેમાં લાગતો સમય અકલ્પનીય છે. આ સમગ્ર પ્રક્રિયા 250Mbps ઇન્ટરનેટ સ્પીડ સાથે કામ કરે છે.
સ્ટારલિંકની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા અન્ય કરતા કેમ અલગ છે?
મસ્કની કંપની સ્ટારલિંકનો દાવો છે કે તે સેટેલાઇટ ઇન્ટરનેટના ક્ષેત્રમાં સૌથી ઝડપી સેવા પૂરી પાડતી કંપની છે. સ્ટારલિંકના જણાવ્યા અનુસાર મોટાભાગના સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોવાઈડર હાલમાં એક જ Geo સ્ટેશનરી સેટેલાઇટનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ પ્રદાન કરી રહ્યા છે. આ ઉપગ્રહો પૃથ્વીની આસપાસ ૩૫,૭૮૬ કિમી ઊંચા પૃથ્વી ભ્રમણકક્ષામાં ફરે છે. આટલા લાંબા અંતરને કારણે, ડેટાને ઉપગ્રહ સુધી પહોંચવામાં અને પાછો આવવામાં ઘણો સમય લાગે છે. પરંતુ સ્ટારલિંક પાસે લગભગ 7,000 ઉપગ્રહો છે જે પૃથ્વીની ખૂબ નજીક (લગભગ 550 કિમી) સ્થિત છે. આટલા ઓછા અંતરે, તે ખૂબ જ ઝડપથી પૃથ્વીની આસપાસ ફરે છે. સ્ટારલિંક ઉપગ્રહો geo સ્ટેશનરી કરતા ઓછા અંતરે સ્થિત છે, તેથી ડેટા મોકલવા અને પરત કરવામાં ઘણો ઓછો સમય લાગે છે.
વર્તમાન અંદાજ અનુસાર સ્ટારલિંક ઈન્ટરનેટ સેવામાં ઉપલબ્ધ ડેટા 50Mbps થી 250Mbps સુધીની ઈન્ટરનેટ સ્પીડ ઉપલબ્ધ હશે. અપલોડ માટે 40Mbps સુધીની ઇન્ટરનેટ સ્પીડ મળી શકશે તેમ મનાય છે. સ્ટારલિંક કેટલાક પ્રીમિયમ પેકમાં વપરાશકર્તાઓને 500Mbps સુધીની ઇન્ટરનેટ સેવા પ્રદાન કરી શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાતના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સરકારે આટલી સહાય ચૂકવી
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD