ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો ઉચકાયો છે. જેમાં આવનારું 2023નું નવું વર્ષ ગુજરાત સહિત ઉત્તર ભારત માટે વધારે ઠંડી લાવનારું રહી શકે છે. હવામાન વિભાગે પૂર્વાનુમાન લગાવ્યું છે કે નવું વર્ષ આખા ઉત્તર ભારત શીતલહેરની ચપેટમાં આવી જશે. જેની અસર ધીમે ધીમે મધ્ય ભારતમાં પણ થશે. આગામી ચાર જાન્યુઆરી સુધી ઠંડીનો પારો વધારે ગગડી શકે છે.
આ પણ વાંચો: જૈન તીર્થની રક્ષા માટે એકતાનો માહોલ, શત્રુંજય મહાતીર્થ બચાવવા હજારો જૈનો જોડાયા
અમદાવાદમાં લઘુતમ તાપમાન 14.1 ડિગ્રી ઠંડી નોંધાઈ
ગુજરાતમાં અત્યારની ઠંડીની વાત કરીએ તો છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીનો પારો ઉચકાયો છે. ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયમાં 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી. જ્યારે સૌથી ઓછી ઠંડી સુરેન્દ્રનગરમાં 18.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી. રાજકોટ અને ભૂજમાં 12 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા અમદાવાદમા તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો છે. રાજ્યમાં પોષ માસની કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ ધીમી ગતિએ શરૂ થયો છે. આજે ઘણા શહેરોમાં ઠંડી વધી હતી. અમદાવાદમાં લઘુતમ તાપમાન 14.1 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જે ગઈકાલ જેટલી જ હતી પરંતુ પવનની ઝડપ રહેવાના કારણે ઠંડીની તીવ્રતા અનુભવાઈ હતી. ડીસા, વલ્લભવિદ્યાનગર, વલસાડ, ભૂજ, નલિયા, કંડલા એરપોર્ટ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, મહુવામાં ઠંડી વધી હતી.
પવનની ગતિ પ્રતિ કલાક 10 કિલોમીટરની રહેતા ઠંડીની તીવ્રતામાં વધારો
હવામાન ખાતાએ આગાહીમાં જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ગગડશે. ત્યારબાદ ત્રણ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. રાજ્યમાં 24 કલાક દરમિયાન વાતાવરણ સુક્કું રહેશે. ભેજનું પ્રમાણ સવારે 8-30 વાગ્યે 75 ટકા અને સાંજે 5-30 વાગ્યે 41 ટકા નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન14.1 ડિગ્રી જળવાઈ રહ્યું છે. પરંતુ પવનની ગતિ પ્રતિ કલાક 10 કિલોમીટરની રહેતા ઠંડીની તીવ્રતામાં વધારો જોવા મળ્યો હતો. હવામાન ખાતાએ આગાહી કરી છે એટલે હવે ઠંડીમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળશે.