રાજ્યમાં ભારે પવન સાથે શીત લહેરની અસર વધી રહી છે. રાજ્યના અમદાવાદ શહેર રાજ્યના 10 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. 1 જ દિવસમાં રાજ્યના મોટાભાગના શહેરનો પારો 2થી 6 ડિગ્રી ઘટ્યો છે. જોકે બીજી તરફ હવામાન વિભાગનું અનુમાર છે કે, આજથી ઠંડીનું જોર ઘટશે. તાપમાનનો પારો ઉંચા જવાની શક્યતા છે.
આ પણ વાંચો : અમદાવાદ : આખી રાત ધમધમતાં સિંધુભવન રોડ પર કેમ બનાવવામાં આવી રહ્યું છે ‘નાર્કોટિક્સ’ પોલીસ સ્ટેશન ?
આ તરફ આજે પણ કાતિલ ઠંડીને પગલે નલિયામાં 2 ડિગ્રી અને ડીસામાં પારો 6.9 ડિગ્રીએ પહોંચ્યો છે. કચ્છના નલિયામાં તો 24 કલાકમાં 6 ડિગ્રી પારો ગગડ્યો છે. આજનો પારો 2 ડિગ્રી જ રહેતાં આ આંક સિઝનનો સૌથી ઓછો આંક છે. જૂનાગઢના તલાલા પંથકમાં ઊંચા પવનથી આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે.
શહેરનું નામ | ઠંડીનું પ્રમાણ |
નલિયા | 2 ડિગ્રી |
ડીસાા | 6.9 ડિગ્રી |
પાટણ | 6.9 ડિગ્રી |
ભૂજ | 9 ડિગ્રી |
દાહોદ | 9.1 ડિગ્રી |
ગાંધીનગર | 9.4 ડિગ્રી |
અમદાવાદ | 10 ડિગ્રી |
રાજકોટ | 10.7 ડિગ્રી |
અમરેલી | 11.6 ડિગ્રી |
જૂનાગઢ | 11.6 ડિગ્રી |
વડોદરા | 11.6 ડિગ્રી |
ઉત્તર ભારતમાં ઠંડી યથાવત્
હવામાન વિભાગે રાજસ્થાનના અલવર, ભરતપુર, ધોલપુર, ઝુનઝુનુ અને કરોૈલી માટે ઓરેન્જ એલર્ટ જારી કરી છે. દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શ્રીનગરનું લઘુતમ તપામાન જાન્યુઆરી મહિનાનું છેલ્લા પાંચ વર્ષનું બીજું સૌથી ઓછું તાપમાન છે. ભારે ઠંડીને કારણે જમ્મુ-કાશ્મીરના અનેક જળાશયો થીજી ગયા છે. રાજસ્થાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફતેહપુર (સિકરપુર)માં માઇનસ 1.8 અને ચુરુમાં માઇનસ 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
જયપુરમાં 3.8, અજમેરમાં 3.9, અલવરમાં 1.3, ચિત્તોડગઢમાં માઇનસ 0.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. પંજાબ અને હરિયાણામાં પણ લોકોને ઠંડીથી કોઇ રાહત નથી. પંજાબમાં ગુરદાસપુર 2.2 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ શહેર છે. હરિયાણાના હિસારમાં 2.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે. ઉત્તર ભારતમાં અસહ્ય ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે સામાન્ય જનજીવનને અસર થઇ રહી છે. આ દરમિયાન દિલ્હીમાં લઘુતમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.