ગુજરાતમાં ઠંડીનો ચમકારો, જાણો ક્યા ગગડ્યો તાપમાનનો પારો
- માવઠાની સિસ્ટમ મંદ પડતા તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું
- અમદાવાદ, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગરમાં 16થી 16 સે. તાપમાન
- ઈ.સ.2025ના આરંભમાં કાતિલ ઠંડીનો અનુભવ થવાની શક્યતા
ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જેમાં રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. તેમાં માવઠાની સિસ્ટમ મંદ પડતા તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
નલિયામાં એક રાતમાં તાપમાનનો પારો 6 સે. ગગડીને 4.2 સે. થયો
ગુજરાતમાં હવે સુકુ અને સૂર્યપ્રકાશિત હવામાન રહેવાની આગાહી સાથે ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં 3થી 4 સે.તાપમાન ગગડતા તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું અને હજુ વધુ ઠંડી પડવાની આગાહી થઈ છે. નલિયામાં એક રાતમાં તાપમાનનો પારો 6 સે. ગગડીને 4.2 સે. સાથે ઠંડી વધી છે. જ્યારે રાજકોટ, કેશોદ અને ભૂજમાં પણ 2થી 3 સે.તાપમાન ઘટીને પારો 9.7 સે.એ પહોંચી ગયો હતો.
અમદાવાદ, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગરમાં 16થી 16 સે. તાપમાન
સુરેન્દ્રનગરમાં 13, દ્વારકામાં 14, વરાવળમાં 15, દિવ, મહુવા અને ભાવનગરમાં 15 સે. સાથે દરિયાકિનારાના વિસ્તારોમાં પણ ઠંડી વધી હતી. જ્યારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આંશિક ઘટાડા સાથે અમદાવાદ, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગરમાં 16થી 16 સે., સુરત, વડોદરામાં 18 સે. તાપમાન રહ્યું હતું.
ઈ.સ.2025ના આરંભમાં કાતિલ ઠંડીનો અનુભવ થવાની શક્યતા
હવામાન વિભાગ પ્રમાણે જમ્મુ કાશ્મીર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ જારી રહી હતી અને હજુ ઉપરાઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલય ક્ષેત્રે ઉપર તા.1થી 6 જાન્યુઆરી દરમિયાન ત્રાટકશે જેના પગલે બરફવર્ષા, વરસાદની આગાહી છે અને તેની અસર સાથે ગુજરાતમાં બુધવારથી શરુ થતા નવા વર્ષ ઈ.સ.2025ના આરંભમાં કાતિલ ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે.