‘બિપરજોય’ને પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાપાયે થયું નુકસાન
- ‘બિપરજોય’ વાવાઝોડાની અસર ગુજરાત પર વર્તાઈ
- ગીર સોમનાથમાં દરિયો બન્યો ગાંડોતુર
- ગીર સોમનાથમાં મકાનો થયા ધરાશાયી
- 50 જેટલા પરિવારોનું કરાયું સ્થળાંતર
- ઓખાના દરિયામાં હાલ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે
- 15 જૂને વાવાઝોડું માંડવીમાં ટકરાશે
- ઓખામાં 11 કર્મચારીઓનું હેલિકોપ્ટરની મદદથી રેસેક્યૂ કરાયું
- ગુજરાતભરમાં કેટલું થયુ નુકશાન? વાંચો આ અહેવાલ
બિપરજોય વાવાઝોડાએ ગુજરાત ભરના લોકોમાં ડરનો માહોલ ઊભો કર્યો છે. ખાસ કરીને દરિયા કિનારાના જિલ્લાઓમાં અત્યારે તેની અસર વર્તાવા લાગી છે. ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમા દરિયો ગાંડોતુર બન્યો છે. ગીર સોમનાથના દરિયા કિનારાના વિસ્તારમાં મકાનો ધરાશાયી થવાના સમાચાર મળી રહ્યા છે.અરબી સમુદ્રમાં બનેલું અતિ ભયાનક વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 320 કિલોમીટરના અંતર પર છે. જ્યારે દ્વારકાથી 360 કિલોમીટર, જખૌ બંદર અને નલિયાથી 440 કિલોમીટરના અંતર પર છે.
રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોયની ગંભીર અસર વર્તાઈ
આવામાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ગંભીર અસર પણ જોવા મળી રહી છે. ભારે પવન ફૂંકાવવાને કારણે નુકસાનીના સમાચાર પણ સામે આવી રહ્યા છે. માઢલાડ ગામે 6 મકાન ધરાશાયી થયા છે. દરિયાના ઊંચા મોજા મકાનો સાથે અથડાતા મકાન ધરાશાયી થયા છે. સાથે જ ગામના 23 પરિવારોનું સ્થળાંતર કરાયું છે. દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયામા કરંટ જોવા મળતા લોકોમાં ડરનો માહોલ છે.
બિપરજોય વાવાઝોડૂં ક્યાં પહોંચ્યું છે? અહીં ક્લિક કરીને જૂઓ લાઈવ
ગીર સોમનાથ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
બીજી બાજુ, ગીર સોમનાથના નેશનલ હાઇવે પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ પડી રહ્યો છે. દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદ શરુઆત થઇ છે. વાવાઝોડાની અસરના પગલે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથમાં દરિયો ગાંડોતુર બન્યો છે, ત્યારે બંદર વિસ્તારમાં 50 જેટલા પરિવારોનું સ્થળાંતર કરાયું છે. દરિયાકાંઠા વિસ્તારનાં મકાનોમાં દરિયોનાં પાણી ભરાયા છે. વાવાઝોડાનું સંકટ વધતા બંદરો પર તંત્ર ખડે પગે છે.
વાવાઝોડાના પગલે તંત્ર સતર્ક છે, ત્યારે ગીર સોમનાથ SPએ મૂળ દ્વારકા બંદરની મુલાકાત લીધી હતી. દરિયા કિનારે વસતા પરિવારોનું સ્થળાંતર કરાયું હતું. સાથે જ માછીમારો સહિત તમામને દરિયાકિનારેથી દૂર રહેવા સૂચના આપી હતી.
કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અનેદેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
ઓખામાં 11 કર્મચારીઓનું હેલિકોપ્ટરની મદદથી રેસેક્યૂ કરાયું
ઓખાના દરિયામાં હાલ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે તેની વચ્ચે કોસ્ટગાર્ડના જવાનો દ્વારા ખાનગી કંપનીની ઓઈલ રીગ પર ફસાયેલા 11 કર્મચારીઓનું હેલિકોપ્ટરની મદદથી રેસેક્યૂ કર્યું હતું. કચ્છમાં વાવાઝોડાની આગાહીના પગલે પોર્ટ પરની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે પોર્ટ પર માલ ભરવા અને ઉતારવા માટે આવેલા ટ્રકચાલકો ફસાયા છે. હાલ ગાંધીધામમાં મોટી સંખ્યામાં ટ્રકોના ઠપ્પા લાગી ગયેલા જોવા મળી રહ્યા છે.
કચ્છ &જામનગરની શાળાઓમાં-કોલેજોમાં રજા જાહેર કરાઈ
કચ્છમાં તેમજ જામનગરમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે તેમજ કોટેશ્વર-નારાયણ સરોવર મંદિર તારીખ 13થી 15 સુધી બંધ કરવામાં આવ્યું છે. દરરોજ લાખો ટન કાર્ગો પરિવહન કરતું દેશનું સૌથી મોટું કંડલા પોર્ટ સુમસાન બન્યું છે. હાલ વાવાઝોડાને લઇને કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. PM મોદીએ સમીક્ષા બેઠક કરી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીએ આગામી 4 દિવસ સુધી દ્વારકા ન આવવા અપીલ કરી છે. પોરબંદરના કુછડી ગામે દરિયાનો પાળો તૂટ્યો હતો. પોરબંદર જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વાવાઝોડાંની આગાહી સંદર્ભે ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. પૂર્વ તકેદારી અને જાનહાની ન થાય તે માટે વિદ્યાર્થીઓ માટે આ રજા જાહેર કરવામાં આવી છે. તારીખ 13,14 અને 15 જૂનના રોજ શાળાઓમાં રજા રહેશે.
દ્વારકા, જામનગર અને કચ્છનાં તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે, જ્યારે પોરબંદરમાં નવ નંબરનું અતિભયસૂચક સિગ્નલ લગાવાયું.
ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
ભાવનગરના ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ દરિયા કિનારે ‘બિપરજોય’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભાવનગરના દરિયા પર 5 થી 6 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. વાવાઝોડાની અસરથી 30 થી 35ની ગતિથી પવન ફુકાવાની શરૂઆત થઈ ચૂકી છે. દરિયામાં ભારે કરંટ જોવા મળતા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાવનગરના દરિયાકાંઠે આવેલાં ઘોઘા અને કોળિયાક ગામોમાં સરકારી શાળાઓમાં લોકોને રહેવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
2 હેલિકોપ્ટરને કરાયા સ્ટેન્ડબાય
રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે. જરૂર પડ્યે તેને જે તે સ્થળે મોકલવામાં આવશે. નલિયાના જખૌ દરિયા વિસ્તારમાં આજે કોસ્ટગાર્ડ દ્વારા ‘બિપરજોય’ વાવાઝોડાને લઇ વિશેષ સૂચના જાહેર કરવામાં આવી રહી છે. ભયનો અંદેશો દર્શાવતા દિશાસૂચક પણ બતાવવામાં આવી રહ્યાં છે. જોકે, મોટા ભાગના માછીમારો હાલ ઓફ સિઝનને લઇ પોતાના વતન પહોંચી ગયા છે. તંત્ર તમામ મોરચે સતર્ક બન્યું છે.
બિપરજોયને લઈને PM મોદીએ કરી ઉચ્ચસ્તરીય બેઠક
પીએમ મોદી એ વાવાઝોડાના કારણે ઊભી થયેલી ખરાબ સ્થિતિને પહોંચીવળવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકારની તૈયારીની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરિય બેઠકની અધ્યક્ષતા કરી હતી. રાજ્યના CM ભુપેન્દ્ર પટેલએ પણ આ મુદ્દે બેઠક કરી હતી. હર્ષ સંઘવી પણ દરિયા કિનારાના વિસ્તારમાં જઈને તૈયારીની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો: ચક્રવાત બિપરજોય: PM મોદીની સમીક્ષા બેઠક; લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારને નિર્દેશ