ઝારખંડમાં CISF ના જવાનો ઉપર કોલસા ચોરોનો હુમલો, વળતા પ્રહારમાં ચારના મોત
ઝારખંડના ધનબાદમાં કોલસા ચોરોનું CISF કર્મચારીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. જેમાં ચાર ચોર માર્યા ગયા અને બે ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના આજે રવિવારે બઘમારા પોલીસ સ્ટેશન વિસ્તારના ડેનિડીહ કોલ સાઇડિંગ વિસ્તારમાં બની હતી. જ્યારે સીઆઈએસએફના જવાનોએ કોલસાની ચોરી કરીને ભાગી રહેલા ચોરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
વર્ષોથી કોલસા ચોરીનું કૌભાંડ ચાલતું રહ્યું છે
આ ઘટના અંગે ધનબાદના પોલીસ અધિક્ષક રેશમા રમેશને કહ્યું હતું કે, ચોરોએ CISFના જવાનો પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમની તરફથી પણ વળતી કાર્યવાહી કરવામાં આવી હતી. આમાં ચાર ચોર માર્યા ગયા અને બે ઘાયલ થયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષોથી આ વિસ્તારમાં કોલસા ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે. જેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તસ્કરો દ્વારા સીઆઈએસએફ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ચાર તસ્કરોના મોત થયા છે.