પેરિસ ઓલિમ્પિક પહેલા નીરજ ચોપરાની ફિટનેસને લઈને કોચે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
- ભારતના 117 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈને ભારતનું પ્રતિનિધિત્વ કરશે
નવી દિલ્હી, 21 જુલાઇ: પેરિસ ઓલિમ્પિક 2024 શરૂ થવામાં એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે, તેથી રમતગમતના આ મહાકુંભમાં ભાગ લેનારા એથ્લેટ્સ સ્પોર્ટ્સ વિલેજમાં પહોંચવા લાગ્યા છે. આ વખતે ભારતના 117 ખેલાડીઓની ટીમ સ્પોર્ટ્સ વિલેજ પહોંચી છે, જેમાં દરેકને આશા છે કે, ખેલાડીઑ ટોક્યો ઓલિમ્પિક કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. આમાં એક નામ સામેલ છે સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાનું, જેણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરાનું છેલ્લા એક વર્ષમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે પરંતુ તેને ફિટનેસની સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં, પેરિસ ઓલિમ્પિક પહેલા, નીરજના છેલ્લા 5 વર્ષથી કોચ બાર્ટોનિટ્ઝે તેની ફિટનેસને લઈને મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, “નીરજ ચોપરા પેરિસ ઓલમ્પિકમાં ભાગ લેવા માટે એકદમ ફિટ છે.”
નીરજ હવે સંપૂર્ણપણે ફિટ: કોચ
જ્યારે દરેકને અપેક્ષા છે કે, નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતશે, તેના કોચ બાર્ટોનિટ્ઝે તેની ફિટનેસ અંગે આપેલા નિવેદનમાં કહ્યું કે, બધું અમારા આયોજન મુજબ થઈ રહ્યું છે. હાલમાં નીરજ ચોપરાને જાંઘની ઈજાથી કોઈ સમસ્યા નથી અને તે સંપૂર્ણપણે ઠીક છે. અમે બધા આશા રાખીએ છીએ કે, નીરજ ચોપરા ઓલિમ્પિકમાં તેની સંપૂર્ણ ક્ષમતા મુજબ રમશે અને 100 ટકા આપવાનો પ્રયાસ કરશે. ઓલિમ્પિકમાં હજુ થોડા દિવસો બાકી છે, તેથી અમે તાલીમનું સ્તર વધાર્યું છે જેમાં નીરજ થ્રોઇંગ સેશન કરી રહ્યો છે.
6 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રો ઈવેન્ટ યોજાશે
આગામી પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રો (ભાલા ફેંક) સ્પર્ધા માટે ક્વોલિફિકેશન રાઉન્ડ 6 ઓગસ્ટથી શરૂ થશે, જેના માટે હજુ લગભગ 2 અઠવાડિયાનો સમય છે. જ્યારે બાર્ટોનિટ્ઝને ચોપરાના ટ્રેનિંગ શેડ્યૂલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, અમારી પાસે સવારે ‘સ્પ્રિંટિંગ’, ‘જમ્પિંગ’ અથવા ‘થ્રોઇંગ’ અથવા ‘વેઇટલિફ્ટિંગ’ના સેશન છે. સવાર અને સાંજ એમ બે સત્રો છે, દરેક બેથી અઢી કલાક ચાલે છે. ચોપરાનો અભિગમ ટોક્યો ઓલિમ્પિક પહેલા જેવો જ છે જેમાં તે ટૂર્નામેન્ટને બદલે તાલીમ પર વધુ ધ્યાન આપી રહ્યો છે અને તેના ગ્રોઇન (જંઘામૂળ) પર દબાણ ઘટાડવા માટે તેના ‘બ્લોકિંગ’ પગને મજબૂત કરવા પર પણ કામ કરી રહ્યો છે.
આ પણ જૂઓ:રોહિત શર્મા શ્રીલંકા સામેની ODI સીરિઝમાં વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક, જે તોડતા જ રચશે ઇતિહાસ