અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

CMનો અધિકારીઓને આદેશઃ રાજ્યના આંતરિયાળ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પહોંચાડો

ગાંધીનગર, 06 જુલાઈ 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકો સુધી પાયાની સેવા સુવિધાઓ પહોંચાડવા નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી પ્રેરિત પ્રો પિપલ-પ્રો એક્ટીવ ગવર્નન્સના પ્રેરક દ્રષ્ટાંતમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમના જિલ્લામાં આવેલા કોઈ એક તાલુકાના એક ગામની આકસ્મિક મુલાકાત લઈને લોકોને મળતી સેવાઓ-સુવિધાઓ સુપેરે મળે છે કે કેમ તે સુનિશ્ચિત કરે છે. આ નવતર જન હિતકારી અભિગમ અન્વયે રાજ્યના 33 જિલ્લાઓના એક એક ગામોની ઓચિંતી સ્થળ મુલાકાત માટે જિલ્લાના વહીવટી વડા કલેક્ટર અને ડીડીઓને સૂચના આપવામાં આવી હતી.

ચેક લિસ્ટ ફોર્મમાં વિસ્તૃત વિગતો એકત્રિત કરવામાં આવી
શનિવાર 6 જુલાઈએ સવારથી જ અધિકારીઓ પોતાના જિલ્લાના એક એક તાલુકાના ગામોની મુલાકાતે પહોંચ્યા હતા અને તે ગામમાં આરોગ્ય સુવિધા, શિક્ષણની સગવડો, આંગણવાડી કેન્દ્ર તેમજ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો પરથી અનાજ વિતરણ, મધ્યાહન ભોજન, દૂધ સંજીવની યોજના, ભારતનેટ કનેક્શન અને બેન્કિંગ સેવાઓ સહિતની પાયાની સુવિધા યોગ્ય રીતે ઉપલબ્ધ છે કે કેમ, કોઈ ત્રુટી કે સુવિધા ઉણપ જેવી બાબતનું સાચું ચિત્ર મેળવ્યું હતું. આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગ, દવાઓનો જથ્થો, ડોક્ટર્સ, સ્ટાફ નર્સ વગેરેની વિગતો, શાળા સંકુલની આનુસંગિક બાબતો, સ્માર્ટ ક્લાસ, હાજરીની નિયમિતતા ઉપરાંત આંગણવાડીની મળવા માળખાકીય સુવિધા અને ગ્રાહક ભંડાર પરથી અપાતા અંત્યોદય તથા અન્ય યોજનાઓના અનાજ સહિત ગ્રામીણ બેન્કિંગ સુવિધા બાબતે પણ આ ચેક લિસ્ટ ફોર્મમાં વિસ્તૃત વિગતો એકત્રિત કરવામાં આવી હતી.

અધિકારીઓ સાથે વાતચીત કરીને તેમના પ્રતિભાવો મેળવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ જિલ્લાના ગામોમાં સેવા સુવિધાઓના સ્થળ નિરીક્ષણ માટે ગયેલા જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરીને તેમના પ્રતિભાવો મેળવ્યા હતા. સ્થળ પર ઉપસ્થિત ગ્રામજનો સાથે પણ સહજ સંવાદ કરીને સરકારની યોજનાઓ સુવિધાઓ તેમને સુપેરે પહોંચી રહી છે કે કેમ તેની પૂછપરછ પણ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ જ્યારે જિલ્લાઓની મુલાકાતે જતાં હોય છે, ત્યારે કચેરીઓની ઓચિંતી મુલાકાત લઈને કચેરીઓની કામગીરી અંગે પ્રજાજનોને સંતોષે છે કે કેમ, કોઈ દુવિધા તો નથી, તે બાબતોની જાણકારી પ્રજા વર્ગો સાથે વાતચીત કરીને મેળવતા રહે છે.

આ પણ વાંચોઃગુજરાત સરકાર ખેડૂતોને નેનો યુરીયા અને નેનો DAPની ખરીદી પર 50% સહાય આપશે

Back to top button