ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CM યોગીનો મોટો નિર્ણયઃ કાંવડ યાત્રાની દુકાનો પર લખવું પડશે નામ, હલાલ ઉત્પાદનો પર કાર્યવાહી

  • કાંવડ યાત્રાના રુટ પર આવેલી ખાણીપીણીની દુકાનો પર ઓપરેટર અને માલિકનું નામ તેમજ ઓળખ લખવી પડશે

લખનઉ, 19 જુલાઇ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાંવડ તીર્થયાત્રીઓ માટે મોટું પગલું ભર્યું છે. CM યોગીએ કહ્યું છે કે, સમગ્ર UPમાં કાંવડ યાત્રાના રુટ પર આવેલી ખાણીપીણીની દુકાનો પર ઓપરેટર અને માલિકનું નામ તેમજ ઓળખ લખવી પડશે. કાંવડ તીર્થયાત્રીઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હલાલ સર્ટિફિકેશન સાથે પ્રોડક્ટ્સ વેચનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ અખિલેશ યાદવ અને માયાવતીએ આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો છે. અખિલેશ યાદવે આરોપ લગાવ્યો છે કે, ભાજપ સામાજિક સમરસતાની દુશ્મન છે.

 

ગુડ્ડુ, મુન્ના, છોટુ કે ફટ્ટે જેવા નામોથી શું ઓળખાશેઃ અખિલેશ

સપા પ્રમુખ અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે, ભાજપ સામાજિક સમરસતાની દુશ્મન છે. તે સમાજના ભાઈચારાને બગાડવા માટે કોઈને કોઈ બહાનું શોધતી રહે છે. ભાજપની આ વિભાજનકારી નીતિઓને કારણે રાજ્યનું સામાજિક વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, કાંવડ યાત્રાને લઈને મુઝફ્ફરનગર પોલીસે નવો આદેશ જાહેર કર્યો છે કે શેરી વિક્રેતાઓ સહિત તમામ દુકાનદારોએ તેમના નામ બહાર લખવા પડશે. તેની પાછળ સરકારનો ઈરાદો લઘુમતી વર્ગને સમાજથી અલગ કરીને શંકાના દાયરામાં લાવવાનો છે. જેનું નામ ગુડ્ડુ, મુન્ના, છોટુ કે ફટ્ટે, તેના નામ પરથી શું ખબર પડશે. ભાજપની નીતિ અને ઈરાદા બંને ભાગલા પાડનારા છે, જે જનતા સમજી ગઈ છે. તેમણે માંગણી કરી હતી કે, અદાલતે સુઓ મોટુ સંજ્ઞાન લેવું જોઈએ અને વહીવટીતંત્ર પાછળના ઈરાદાઓની તપાસ કરીને યોગ્ય પગલાં લેવા જોઈએ.

મુઝફ્ફરનગર પોલીસનો આદેશ વાતાવરણ બગાડી શકે છેઃ માયાવતી

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું કે, “મુઝફ્ફરનગર પોલીસ દ્વારા કાંવડ યાત્રાના રૂટ પર દુકાનદારોના નામ લખવાનો આદેશ ખોટી પરંપરા છે. આ સૌહાર્દપૂર્ણ વાતાવરણને બગાડી શકે છે. જાહેર હિતમાં રાજ્ય સરકારે આ આદેશ તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ.” BSP સુપ્રીમોએ ગુરુવારે જારી કરેલા તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ યુપી અને મુઝફ્ફરનગરના કાંવડ યાત્રા રૂટ પર આવતી તમામ હોટલ, ઢાબા, ઠેલા વગેરેના માલિકનું સંપૂર્ણ નામ મુખ્ય રીતે દર્શાવવાનો નવો સરકારનો આદેશ ખોટી પરંપરા છે. બીજી તરફ, સંભલ જિલ્લામાં શાળાના બાળકોના પગરખાં ઉતારવાના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને વર્ગમાં પગરખાં અને ચપ્પલ ઉતારીને જવાનો અન્યાયી આદેશ પણ ચર્ચામાં છે. આ બાબતે પણ રાજ્ય સરકારે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ.

આ પણ જૂઓ: 4 કરોડ અને તેનાથી વધુની કિંમતના મકાનોના વેચાણમાં 27 ટકાનો વધારો, જુઓ CBRE રિપોર્ટ

Back to top button