અમદાવાદ, 8 ડિસેમ્બર 2023: ગુજરાતમાં અમદાવાદમાં ફેઝ-1માં મેટ્રો ટ્રેન દોડતી થઈ ગઈ છે અને ટુંક સમયમાં જ અમદાવાદની લાઈફ લાઈન તરીકે જાણીતી બની ગઈ છે. હાલમાં સુરતમાં પણ મેટ્રો ટ્રેન દોડાવવા માટે કામગીરી શરૂ કરી દેવાઈ છે. ત્યારે મુખ્યમંત્રીએ મેટ્રો રેલ ફેઝ-2 મોટેરાથી ગાંધીનગરના રૂટ પર સી-2 પ્રોજેક્ટના 6.5 કિ.મીના માર્ગ પર નિર્માણાધિન રેલ્વે રૂટ અને સ્ટેશનની વિવિધ કામગીરીનું નિરીક્ષણ આજે સવારે મુખ્ય સચિવ રાજકુમાર, અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા અને મેટ્રો રેલ કોર્પોરશનના ચેરમેન તથા મુખ્યમંત્રીના સલાહકાર એસ એસ રાઠોર અને વરિષ્ઠ સચિવો સાથે કર્યું હતું.
મુખ્યમંત્રીએ મેટ્રો ટ્રેનની કામગીરીની જાત માહિતી મેળવી
મુખ્યમંત્રીએ આ રૂટ પરના ભાઇજીપુરાથી CH-2 સુધીના ધોળાકુવા, રાંદેસણ, ગિફ્ટ સિટી સહિતના વિસ્તારોમાં થઈ રહેલી નિર્માણ કામગીરીની પ્રગતિની જાત માહિતી સ્થળ મુલાકાત કરીને મેળવી હતી. મુખ્યમંત્રીએ ત્યાર બાદ વિસતથી નર્મદા કેનાલ થઈને કોબા સર્કલ ના રૂટ પર થઈ રહેલી નિર્માણ કામગીરીની પણ નિરીક્ષણ મુલાકાત લીધી હતી અને ટેકનિકલ વિગતો મેળવી હતી. અમદાવાદમાં ફેઝ-1 પર મેટ્રો રેલનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ 30 સપ્ટેમ્બર 2021ના રોજ કર્યું હતું.
નવેમ્બર 2023માં મેટ્રો ટ્રેને સારી આવક મેળવી
નવેમ્બર 2023માં અમદાવાદમાં રમાયેલ 5 મેચ દરમિયાન મેટ્રોમાં કુલ 4,81,779 લોકોએ મુસાફરી કરી. જેના કારણે મેટ્રોને રુપિયા 82,97,798 જેટલી આવક થઈ. અમદાવાદમાં પાંચમી ઓક્ટૉબરે રમાયેલી પ્રથમ મેચ દરમિયાન 93,742 લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. જેના કારણે મેટ્રોને 13,73,634 રૂપિયાની આવક થઈ હતી. જ્યારે 14મી ઓક્ટોબરે રમાયેલી મેચ દરમિયાન 1,12,594 લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી જેથી મેટ્રોને 20,27,167 રૂપિયાની આવક થઈ હતી. એજ પ્રમાણે 4 નવેમ્બરે 1,01,996 લોકોએ મુસાફરી કરતાં 16,56,502 આવક થઈ હતી,10 નવેમ્બરે 66,488 લોકોએ મુસાફરી કરતા 9,02,288 રૂપિયાની આવક થઈ હતી. 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચના દિવસે 106959 લોકોએ મુસાફરી મેટ્રોને 2338207 ની આવક થઈ હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં વર્લ્ડકપની પાંચ મેચ દરમિયાન મેટ્રો ટ્રેન ક્રિકેટ પ્રેમીઓની પ્રથમ પસંદ બની