CM પટનાયકે PMના સ્વાસ્થ્યવાળા નિવેદન પર આપ્યો જવાબ, કહ્યું: તેઑ મને કૉલ કરી શકે છે
- મારી તબિયત બિલકુલ ઠીક છે, નહીંતર મેં આટલી ગરમીમાં પ્રચાર ન કર્યો હોત: નવીન પટનાયક
ઓડિશા, 30 મે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના મયુરભંજમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, બીજુ જનતા દળ (BJD)ના વડા અને મુખ્ય પ્રધાન નવીન પટનાયકની ખરાબ તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, 10 જૂન પછી ઓડિશામાં બીજેપીની સરકાર બનશે કે તરત જ એક વિશેષ સમિતિ બનાવવામાં આવશે જે તપાસ કરશે કે નવીન બાબુની તબિયત અચાનક કેમ બગડી. પીએમ મોદીના આ નિવેદન પર સીએમ નવીન પટનાયકે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, મારી તબિયત બિલકુલ ઠીક છે, નહીંતર મેં આટલી ગરમીમાં પ્રચાર ન કર્યો હોત. જો તેમને(PM મોદી) મારા સ્વાસ્થ્યની આટલી ચિંતા હોય તો તે મને ફોન કરી શકે છે.
“મારી તબિયતની આટલી ચિંતા છે, તો…”
નવીન પટનાયકે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ઓડિશામાં એક જનસભામાં કહ્યું કે મારી તબિયત ખરાબ છે અને તેઓ આ મામલે તપાસ ઈચ્છે છે. જો તેમને મારા સ્વાસ્થ્યની આટલી ચિંતા હોય તો તે મને ફોન કરી શકે છે. ઓડિશા અને દિલ્હીમાં ભાજપના ઘણા નેતાઓ છેલ્લા 10 વર્ષથી મારા સ્વાસ્થ્યને લઈને આવી અફવાઓ ફેલાવી રહ્યા છે. હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે મારી તબિયત બિલકુલ ઠીક છે. તેમણે ઓડિશાને વિશેષ દરજ્જો આપવાની અમારી માંગ પર ધ્યાન આપવું જોઈએ.”
નવીન બાબુના શુભેચ્છકો ખૂબ ચિંતિત છે: PM મોદી
ઉલ્લેખનીય છે કે, બુધવારે ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજકાલ નવીન બાબુના શુભચિંતકો ખૂબ જ ચિંતિત છે, તેઓ એ જોઈને પરેશાન છે કે છેલ્લા એક વર્ષમાં નવીન બાબુની તબિયત અચાનક કેવી રીતે બગડી ગઈ. વર્ષોથી નવીન બાબુની નજીક રહેલા લોકો મને મળે છે, ત્યારે તેઓ ચોક્કસપણે તેમના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરે છે. તેમનું કહેવું છે કે નવીન પટનાયક હવે પોતાના દમ પર કંઈ કરી શકે તેમ નથી. લાંબા સમયથી નવીન બાબુની નજીક રહેલા લોકોનું માનવું છે કે તેમની બગડતી તબિયત પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે.
શું તેની ખરાબ તબિયત પાછળ કોઈ કાવતરું છે?
PM મોદીએ વધુમાં કહ્યું કે, સવાલ એ છે કે શું નવીન બાબુની ખરાબ તબિયત પાછળ કોઈ ષડયંત્ર છે? આ જાણવાનો ઓડિશાના લોકોનો અધિકાર છે. નવીન બાબુના નામે પડદા પાછળ ઓડિશામાં સત્તા ભોગવતી આ લોબીમાં કોઈ સંડોવણી છે? આ રહસ્ય પરથી પડદો ઉઠાવવો જરૂરી છે. તેની તપાસ જરૂરી છે. 10 જૂન પછી ઓડિશામાં બીજેપીની સરકાર બનતાની સાથે જ એક વિશેષ સમિતિ બનાવવામાં આવશે જે તપાસ કરશે કે નવીન બાબુની તબિયત અચાનક કેમ બગડી રહી છે અને તેમની તબિયત સાથે શું થઈ રહ્યું છે. તમામ હકીકતો જાણવા મળશે.”
આ પણ જુઓ: ‘શેર’ના નામથી જાણીતા કન્ટેન્ટ ક્રિએટરની નોઈડા પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો