ચૂંટણી રંગોળી: CM નીતીશ કુમાર આ વખતે નવી વ્યૂહરચના અપનાવીને કરશે ચૂંટણી પ્રચાર
પટણા (બિહાર), 06 એપ્રિલ: બિહારમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકીય દળો એડીચોટીનું જોર લાગવી રહ્યા છે. આ વખતે રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર અનોખી રણનીતિ અપનાવીને ચૂંટણી પ્રચાર કરશે. નવી નીતિ હેઠળ ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ બનાવ્યો છે. જેની હાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. JDU ચૂંટણી પ્રચાર સમિતિની મહત્વપૂર્ણ બેઠકમાં ઘણા કલાકોની ચર્ચા બાદ નીતીશ કુમારના ચૂંટણી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે સીએમ નીતિશ કુમાર નવી રણનીતિ પ્રમાણે ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે.
નીતીશ કુમાર બે રીતે પ્રચાર કરશે
માહિતી આપતાં મુખ્યમંત્રીના ચૂંટણી પ્રવાસની રૂપરેખા તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મંત્રી વિજય ચૌધરીએ કહ્યું કે, નીતીશ કુમારનું પ્રચાર બે રીતે ચાલશે, એક તરફ નીતીશ કુમાર નાની-મોટી સભાઓ કરશે, તો બીજી તરફ ત્યાં રોડ શો પણ થશે. તેમણે કહ્યું કે આ પહેલીવાર હશે જ્યારે મુખ્યમંત્રી નીતીશ કુમાર રોડ શો દ્વારા જનતાની વચ્ચે જશે અને વોટ માંગશે. રોડ શો દરમિયાન મુખ્યમંત્રી જે પણ લોકસભા ક્ષેત્રમાં પહોંચશે ત્યાં ઉતર્યા બાદ લગભગ એક કલાક સુધી રોડ શો કરશે. આ દરમિયાન જો જરૂર પડશે તો તેઓ નાની ચૂંટણી સભાઓ પણ કરશે અને લોકોને સંબોધશે.
બીજી મહત્વની માહિતી આપતા વિજય ચૌધરીએ કહ્યું કે એનડીએ વચ્ચે પ્રચારને લઈને ઘણો સારો તાલમેલ છે. પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ નીતિશ કુમારના ચૂંટણી પ્રચાર કાર્યક્રમો ક્યાં યોજાશે તે અંગે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. ફેઝ વાઇઝ પ્રચાર ઝુંબેશને કેવી રીતે સુધારવી તે અંગેની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.
આ પણ વાંચો: ચૂંટણી રંગોળી: બિહાર- પશ્ચિમ બંગાળમાં મતદારોને રીઝવવા ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો