ગાંધીનગર ખાતે 27થી 29 મે દરમિયાન યોજાઇ રહેલા રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર 11ના રામ કથા મેદાન ખાતે સૌ પ્રથમ વખત આજથી ત્રણ દિવસ માટે રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું આયોજન થયું છે. આ મહોત્સવમાં દેશના 11 રાજ્યોની અલગ-અલગ જાતની કેરીનું પ્રદર્શન-વેચાણ માટે 50થી વધુ સ્ટોલ મુકવામાં આવ્યા છે. આ મેંગો મહોત્સવથી ગાંધીનગરની જનતા વિવિધ પ્રકારની કેરીનો સ્વાદ માણી શકશે. આ ઉપરાંત અહીં વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. જેમાં સૌથી વધુ કેરી ખાવાની અને કેરીનો રસ પીવાની સ્પર્ધા રાખવામાં આવશે.
એગ્રીકલ્ચર ટુરિઝમને વેગ આપવા અને સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતી કેરીની જાતનું ખેડૂતો સીધા જ ઉપભોક્તાઓને વેચાણ કરી શકે તેવા હેતુથી આ રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 50 સ્ટોલમાં 11 રાજ્યોના કેરી ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારની 100 પ્રકારની કેરીનું પ્રદર્શન – વેચાણ પણ કરશે.આ કેરી મહોત્સવમાં ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને તમિળનાડું એમ મળીને 11 રાજ્યોની વિવિધ 100 પ્રકારની કેરીનું પ્રદર્શન-વેચાણ કરવામાં આવશે.
વિવિધ પ્રદેશોમાં ઉત્પાદિત થતી અલગ-અલગ પ્રકારની કેરીનું પ્રદર્શન
આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરના વિવિધ પ્રદેશોમાં ઉત્પાદિત થતી અલગ-અલગ પ્રકારની કેરીનું પ્રદર્શન ગોઠવવામાં આવશે. જેમાં ગુજરાતની કેસર, હાફુસ, રાજાપુરી, જામદર, તોતાપુરી, નીલમ, દશેરી અને લંગડો કેરીનું તેમજ પંજાબની ચૌસા અને માલ્દા, હરિયાણાની ફઝલી, રાજસ્થાનની બોમ્બે ગ્રીન, મહારાષ્ટ્રની પાયરી, કર્ણાટકની બંગનાપલ્લી અને મુળગોઆ, આંધ્રપ્રદેશની સુવર્ણરેખા, મધ્યપ્રદેશની ફાઝી, પશ્ચિમ બંગાળની ગુલાબખસ અને હિમસાગર, બિહારની કિસનભોગ અને જર્દાલુ જેવી અનેક પ્રકારની કેરીનું પ્રદર્શન સહ વેચાણના સ્ટોલ પણ લગાવવામાં આવશે.
ઉત્તર પ્રદેશની અંબિકા, અરૂણીકા, અરૂનિમા, પ્રતિભા, પિતાંબરા, લાલીમા, શ્રેષ્ઠ, સુર્યા, હુસનેરા, નાઝુક બાદન, ગુલાબ ખસ, ઓસ્ટીન, દશેરી, ચાઉસા, લંગડા, અમીન ખુર્દ, ગ્લાસ આમ્રપાલી, મલ્લિકા, ક્રિષ્ના ભોગ, રામ ભોગ, રામકેલા, શેહદ કુપ્પી, જરદારૂ, લખનૌવા સફેડા, જોહરી, સફેડા, બેંગ્લોરા, અમીન દુધિયા, બદામી ગોલા, બુધિયા, યુક્તિ, ફઝિલ, કેસર, લંબુરી, નારદ, સુરખા પરા, સુરખા, દશેરી, ચૌસા, લંગરા, આમ્રપાલી, મલ્લિકા, બોમ્બે ગ્રીન, યથાર્થ, મહારાષ્ટ્રની રત્નાગીરી, પશ્ચિમ બંગાળની હિમસાગર, આમ્રપાલી, બિહારની મૈદા, જરદાળુ ક્રિષ્નાભોગ, રાજસ્થાનની દશેરી, મલ્લિકા, લાંગરા, કેસર કર્ણાટકની કર્ણાટકા આલ્ફાન્ઝોં અથવા બદામી મેંગો, કેરળની તોતા અને સુંદરી, આંધ્રપ્રદેશની બદામ, દિલ્હીની આલ્ફાન્સો, તમિલનાડુના તોતા અને સુંદરી કેરીની વેરાયટીનું પ્રદર્શન કરવામાં આવશે.
સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન
આ ઉપરાંત કેરીનું અથાણું અને છુંદ્દો, મેંગો પલ્પ, શેક, જામદર સહિતની અન્ય વેરાયટી પણ પ્રદર્શનમાં રખાશે. આ ઉપરાંત મનોરંજક સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને બાળકો માટે એક્ટિવિટીનું પણ આયોજન કરાયું છે.
આ ઉપરાંત કેરી સ્પર્ધા પણ યોજાનાર છે. જેમાં સૌથી વધુ કેરી ખાવાની અને કેરીનો રસ પીવાની સ્પર્ધા રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન ભારતમાં થાય છે અને દેશમાં 24 પ્રકારની કેરીઓ પ્રખ્યાત છે. ત્યારે આજથી શરુ થનાર કેરી મહોત્સવમાં 100 પ્રકારની કેરીનું પ્રદર્શન નગરજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.