CM ગેહલોત કાલથી બે દિવસ ગુજરાતમાં, કોંગ્રેસના ઉમેદવારોને લઈ મોટી કવાયતની શકયતા


ગુજરાતમાં હવે ગમે તે ઘડીએ વિધાનસભા ચૂંટણી જાહેર થઈ શકે છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આવતીકાલથી બે દિવસ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમ્યાન કોંગ્રેસના ઉમેદવારોના નામોને લઈ કોઈ મોટી જાહેરાત કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે.
50 બેઠકો ઉપર ઉમેદવારના નામોની યાદી તૈયાર ?
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, ગુજરાત કોંગ્રેસ દ્વારા અગાઉથી તૈયારીઓના ભાગરૂપે કેટલીક બેઠકો ઉપર વહેલા જ મનોમંથન કરી લેવામાં આવ્યું હતું અને અમુક બેઠકો ઉપર ઉમેદવાર પણ શોધી લેવામાં આવ્યા છે. તેવામાં કાલે જ્યારે સીએમ ગેહલોત ગુજરાત આવે ત્યારે આવી બેઠકો ઉપરના ઉમેદવારના નામો જાહેર કરવામાં આવે અથવા તેને લગત કોઈ માહિતી આપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ આવી 50 બેઠકોની હાલ વાત ચાલી રહી છે. આ એવી બેઠકો છે જેમાં 2017માં સૌથી ઓછા મતે કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતા તે બેઠકના પણ ઉમેદવાર લગભગ નક્કી કરી દેવામાં આવ્યા છે.
એનસીપી સાથે ગઠબંધનથી કોંગ્રેસને કોઈ ફાયદો નહીં
ઉલ્લેખનીય છે કે, દર વખતે ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી દ્વારા ગઠબંધન કરવામાં આવતું હોય છે. આ વખતે પણ 10 સીટ માંગવામાં આવી છે. જો કે સૂત્રોએ જણાવ્યું છે કે પક્ષ આ બાબતે કોઈ વિચાર કરી રહી નથી. એનસીપી સાથે ગઠબંધનથી પક્ષને કોઈ ફાયદો મળતો નથી. અગાઉ પણ ગઠબંધન કર્યું હતું ત્યારે તેના એકમાત્ર ધારાસભ્ય દ્વારા પક્ષની વિરુદ્ધ જઈ મતદાન કરવામાં આવ્યું હતું અને મહત્વની વાત કે જે ઉમેદવારને ટિકિટ મળે છે તેમાંથી લગભગ કોઈ જીતીને આવતું નથી. એટલે આ ગઠબંધન ઉપર આ વખતે પૂર્ણવિરામ મુકાઈ શકે છે.