CM એકનાથ શિંદેના સાંસદ પુત્ર પર ઉજ્જૈનના મહાકાલ મંદિરના નિયમો તોડવાનો આરોપ
- શ્રીકાંત શિંદે પર પ્રતિબંધ હોવા છતાં તેમના પત્ની અને બે સાથીઓ સાથે ગર્ભગૃહમાં જઈને પૂજા કરી
ઉજ્જૈન, 18 ઓકટોબર: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર સાંસદ શ્રીકાંત શિંદે પર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના નિયમો તોડવાનો આરોપ લાગ્યો છે. શ્રીકાંત શિંદે પર પ્રતિબંધ હોવા છતાં તેમના પત્ની અને બે સાથીઓ સાથે ગર્ભગૃહમાં જઈને પૂજા કરવાનો આરોપ છે. જ્યારે આ મામલે હોબાળો વધવા લાગ્યો ત્યારે વહીવટીતંત્રે કહ્યું કે, તેઓ આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે અને જો કોઈ દોષિત સાબિત થશે તો તેને બક્ષવામાં આવશે નહીં.
ઉજ્જૈનમાં મહાકાલ મંદિરનો નિયમ છે કે, કોઈ પણ ભક્ત ગર્ભગૃહની અંદર જઈને પૂજા કરી શકતો નથી, પરંતુ મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેના પુત્ર પર આ નિયમનો ભંગ કરવાનો આરોપ છે.
શું છે મહાકાલ મંદિરના નિયમો?
મહાકાલના દર્શન માટે ઉજ્જૈન આવેલા શ્રીકાંત શિંદે અને તેના સાથીઓના મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા ફોટા અને વીડિયો બહાર આવ્યા છે. માહિતી અનુસાર, તે બધા (સાંસદ શ્રીકાંત શિંદે, તેમના પત્ની અને અન્ય બે) સાંજે 5.38 વાગ્યે ગર્ભગૃહમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. આ ચારેયએ મહાકાલના શ્રુંગાર દરમિયાન શિવલિંગ પાસે બેસીને પૂજા કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
નિયમો અનુસાર, છેલ્લા એક વર્ષથી મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં કોઈપણ ભક્તના પ્રવેશ પર પ્રતિબંધ છે. અહીં ફક્ત પૂજારીઓને જ પ્રવેશ આપવામાં આવે છે. ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે એવા નિયમો છે કે, તેઓ મહાકાલેશ્વર શિવલિંગના 50 ફૂટ દૂરથી દર્શન કરી શકે છે. મળતી માહિતી મુજબ, 4 મહિનામાં આ ચોથી વખત છે જ્યારે કોઈ VIPએ મંદિરના નિયમો તોડ્યા હોય.
આ પણ જૂઓ: હવે મદરેસામાં બાળકોને સંસ્કૃત શીખવાડવાશે, આ રાજ્યમાં સંચાલકોના નિર્ણયથી વકફ બોર્ડ નારાજ