તિરુપતિ લાડુ કેસમાં લેબ રિપોર્ટ આવ્યા બાદ CM ચંદ્રબાબુ નાયડુનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
- તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુ બનાવવા માટે બીફ ફેટ, ફિશ ઓઈલ અને પામ ઓઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો: TDP
અમરાવતી, 20 સપ્ટેમ્બર: વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ થયા બાદ આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુએ મોટું નિવેદન આપ્યું છે. CM ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે, “આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.” ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સત્તારૂઢ TDPએ દાવો કર્યો છે કે, તિરુપતિના પ્રખ્યાત વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા લાડુ બનાવવા માટે બીફ ફેટ, ફિશ ઓઈલ અને પામ ઓઈલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જોકે, લેબ રિપોર્ટ પણ આવી ગયો છે, જેમાં આ વાતની પુષ્ટિ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
કોઈ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં: CM
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, આ ગેરરીતિમાં સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મને જે લેબ રિપોર્ટ મળ્યો છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે પ્રસાદની ગુણવત્તા સાથે ચેડા કરવામાં આવ્યા છે અને તેમાં અશુદ્ધ વસ્તુઓની ભેળસેળ બહાર આવી છે. આ બધા માટે જવાબદાર કેટલાક લોકો સામે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. કેટલાક લોકોને કામ પરથી પણ દૂર કરવામાં આવ્યા છે. પ્રસાદની પવિત્રતાને ધ્યાનમાં રાખીને હવે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયાથી ભક્તો પણ સંતુષ્ટ છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સંબંધિત પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ ગેરરીતિમાં જે પણ સંડોવાયેલા જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ જન્મમાં મળશે સજા
સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, કોઈ કલ્પના પણ ન કરી શકે કે આવું થઈ શકે છે, ભગવાન વેંકટેશ્વર હિન્દુઓ માટે કળિયુગના દેવતા છે, એક વિશ્વાસ છે, એક આસ્થા છે. જો કોઈએ ભગવાનની વિરુદ્ધ દુષ્ટતાથી કામ કર્યું હોય તો લોકો કહે છે કે તેને આ જન્મમાં જ સજા મળે છે, આગામી જન્મમાં નહીં. પ્રસાદ સાથે જે અપવિત્રતા કરવામાં આવી હતી તે હવે TTD તપાસમાં અને લેબ રિપોર્ટ દ્વારા બહાર આવી રહ્યું છે. આ દર્શાવે છે કે, તેમનામાં અહંકાર એટલો ભરેલો હતો કે તેમને લાગતું હતું કે તેમને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે અને તેમણે સામાન્ય જનતાની લાગણીઓનું સન્માન પણ ન કર્યું.” ઉલ્લેખનીય છે કે, TDPના પ્રવક્તા અનમ વેંકટ રમન રેડ્ડીએ ગુરુવારે કથિત લેબોરેટરી રિપોર્ટ બતાવ્યો હતો, જેમાં આપવામાં આવેલા ઘીના સેમ્પલમાં “બીફ ફેટ” હોવાની પુષ્ટિ થઈ હતી. કથિત પ્રયોગશાળાના રિપોર્ટમાં નમૂનાઓમાં “લાર્ડ” (ડુક્કરની ચરબી સંબંધિત) અને માછલીના તેલની હાજરીનો પણ દાવો કરવામાં આવ્યો છે. સેમ્પલ કલેક્ટ કરવાની તારીખ 9 જુલાઈ, 2024 હતી અને લેબોરેટરી રિપોર્ટની તારીખ 16 જુલાઈ હતી.
આ પણ જૂઓ: તિરુપતિ મંદિરના પ્રસાદના ઘીમાં અગાઉ પશુ ચરબી વપરાઈ હોવાનું થયું સાબિત? જાણો શું છે મામલો