CM ભૂપેન્દ્ર પટેલનું વિરમગામ પાંજરાપોળ ખાતે જાહેર અભિવાદન કરાયું

- સમસ્ત મહાજન સમાજ દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું
વિરમગામ, 20 ઓક્ટોબર : અમદાવાદના વિરમગામમાં આવેલી ખોડા ઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજે સમસ્ત મહાજન સમાજ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ જ જીવદયાની છે. ભવગવાન મહાવીરે અહિંસા પરમો ધર્મનો સંદેશ આપ્યો છે. અહિંસા એટલે ગાય માતા જ નહીં પરંતુ દરેક જીવ માટે લાગણી હોવી એ જ જીવદયા છે. દરેક જીવ માટે આપણે સંવેદના રાખી કાર્ય કરીશું તો પરમાત્માના આશીર્વાદ પણ મળતા રહેશે.
વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમસ્ત મહાજન સમાજને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, મહાજન સમાજ કેટલાય વર્ષોથી નિ:સ્વાર્થભાવે જીવદયાની પ્રવૃત્તિ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, આપ સૌને રાજ્ય સરકારનો સહકાર મળતો જ રહેશે કારણ આપ સૌની ભાવના ખુબ સારી છે. કોઈપણ મુશ્કેલીના સમયમાં હરહંમેશા રાજ્ય સરકાર તમારી સાથે છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વધુમાં કહ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશુઓના આરોગ્યની ચિંતા કરી પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરાવી હતી. પરિણામે આજે રાજ્યમાં દશ ગામ દીઠ એક પશુ દવાખાનાની વ્યવસ્થા છે. આ સરકાર દરેક જીવ માત્ર ને રક્ષણ આપવા સંકલ્પબદ્ધ હોવાનું જણાવી તેમણે કહ્યું કે, લમ્પી વાયરસ વખતે પણ સરકાર દ્વારા દવાઓ સહિત પશુઓના સારવારની બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પાણીના તળ ઉંચા લાવવા માટે રાજ્યમાં કેચ ધ રેઇન અભિયાન હેઠળ દરેક જિલ્લામાં 75 જેટલાં તળાવો બનાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, આજે જમીન અને આપણું સ્વાસ્થ્ય બગડતું જાય છે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત કરી રહ્યા છે ત્યારે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણા સ્વાસ્થ્યની પણ ચિંતા કરવાની જરૂર છે.
અંતે મુખ્યમંત્રીએ સ્વચ્છતા પર ભાર મુકતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે ત્યારે સ્વચ્છતાને આપણો સ્વભાવ અને સંસ્કાર બનાવી આપણા ઘર, આંગણા અને વિસ્તારને સ્વચ્છ, સુંદર રાખીએ. તેમણે કહ્યું કે, એક વ્યક્તિ કેટલો બદલાવ લાવી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ નરેન્દ્રભાઈ મોદી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને વ્યકિતત્વ થી દેશમાં બદલાવ આવ્યો છે.
આ પણ વાંચો :- NDA એટલે નરેન્દ્ર દામોદરદાસનું અનુશાસન, વારાણસીમાં PM મોદી સામે જ આવું કેમ બોલ્યા શંકરાચાર્ય