માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજ ખુલ્લો મૂકાયો


- આ ઓવરબ્રિજથી રાજકોટ, જામનગર, મોરબીના મુસાફરો અને ઔદ્યોગિક વાહનોના ટ્રાફિક માટે સરળતા રહેશે
માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું આજે 25 સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે ઈ-લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, આ બ્રિજથી રાજકોટના નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના મોટા વાહનોને પણ આવનજાવનમાં વધુ સગવડ મળશે. આ ફ્લાયઓવર થકી જામનગર- રાજકોટ વચ્ચે અવરજવર કરતા નાગરિકોના સમય અને ઇંધણનો બચાવ થશે.
મુખ્યપ્રધાને આ પ્રસંગે એકાત્મવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે તેમનું ભાવ સ્મરણ પણ કર્યું હતું.
આ બ્રિજ રૂ. ૬૦ કરોડથી વધુના ખર્ચે બન્યો છે. તેની લંબાઇ ૧૧૨૫ મીટર અને પહોળાઇ ૨×૧૧ મીટર છે. આ ઓવરબ્રિજની બંને તરફ ૮.૮ મીટર પહોળાઈના સર્વિસ રોડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. ઓવરબ્રિજના વાહનની સુગમ અવરજવર માટે માધાપર ચોકડી પર ૫૦ મીટર અને માધાપર ગામથી ઈશ્વરીયા પાર્ક તરફ જવા માટે ૩૦ મીટર પહોળાઈનું જંકશન પણ બનાવવામાં આવ્યું છે.
આ પ્રસંગે સ્થળ ઉપર કલેક્ટર પ્રભવ જોશીએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ઓવરબ્રિજના પ્રવેશ પાસે પરંપરાગત રીતે શ્રીફળ વધેરીને બ્રિજને ખુલ્લો મુક્યા બાદ શુભારંભ થયેલા બ્રિજ પર સફર કરી હતી.