CM ભૂપેન્દ્ર પટેલે ઈસ્કોન બ્રિજ અકસ્માત પર તાબડતોડ બેઠક; ગૃહ વિભાગના અધિકારીઓને બોલાવ્યા


અમદાવાદ: અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતના મુદ્દા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક બોલાવી છે. આ બેઠકમાં તેમને ગૃહ વિભાગના તમામ અધિકારીઓને બોલાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ લેવાયેલા પગલા સહિત આગળની પોલીસ કાર્યવાહીની બાબતો પર સમીક્ષા કરવામાં આવી શકે છે.
અમદાવાદ શહેરના એસજી હાઇવે ખાતે ઇસ્કોન મંદિર ફ્લાયઓવર પર જેગુઆર કાર લઇને નિકળેલા તથ્ય પટેલ નામના નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. આ ગમખ્વાર ગંભીર અકસ્માતમાં 10 લોકોનાં મૃત્યુ થયાં છે. તો 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને લઈને રાજ્યભરમાં આક્રોશ દેખાઈ રહ્યો છે. પરિવારજનોએ પોતાના વ્હાલસોયા દિકરાઓ ગુમાવ્યા છે. તો પીડિત પરિવારોએ ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવીને ન્યાય આપવાની માંગ કરતાં કહ્યું હતુ કે, સહાય નહીં આપો તો ચાલશે પરંતુ ન્યાયા આપજો.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં અવાર-નવાર આવા હિટ એન્ડ રનના કેસ સામે આવતા હોય છે. પરંતુ અમદાવાદનો આ અકસ્માત અત્યાર સુધીનો સૌથી ડરામણો અને સૌથી મોટો અકસ્માત છે. કેમ કે, આ અકસ્માતમાં 20થી 23 વર્ષના સાત બાળકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે તો અન્ય ત્રણ લોકોના મોત થયા છે.
આ અકસ્માતને લઈને બેરોકટોકથી ધૂમ સ્ટાઇલમાં ગાડી ચલાવનારાઓ પર એક્શન લેવા સહિત અન્ય અનેક એક્શન પ્લાનના મુદ્દાઓ મુખ્યમંત્રી પોતાની બેઠકમાં નિર્ણય લઈ શકે છે. આગામી થોડી જ વારમાં મુખ્યમંત્રી આ અકસ્માતના મુદ્દાને જોડાયેલી બાબતો પર મોટી જાહેરાતો કરી શકે છે. તો અકસ્માતોની સંખ્યાને રોકવા માટે પણ કોઈ કડક અને નક્કર નિર્ણય લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો- અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતના મૃત્યુઆંકમાં વધારો, વધુ એક પોલીસકર્મીનું મોત