CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ ક્ષેત્રના 8 વ્યક્તિવિશેષને ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ અર્પણ

સુરત, 22 ડિસેમ્બર : સુરત ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ ક્ષેત્રના ૮ વ્યક્તિવિશેષને ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ‘સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન’ની પ્રેરણાથી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રભાવનાથી મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ કરવામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સર્વશ્રી સાંવરપ્રસાદ રામપ્રસાદ બુધીયા, સુધા કાકડિયા નાકરાણી, નંદકિશોર શર્મા, કેશવભાઈ ગોટી, ગીતાબેન શ્રોફ, તરૂણ મિશ્રા, કોમલબેન સાવલિયા અને પ્રતિભા દેસાઈ (વકીલ)ને ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’થી સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રી તેમજ રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પુરસ્કારની સાથે પ્રત્યેક સમાજ સેવકને રૂ.૧ લાખનો રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે, જેમાં આપણે સૌએ સાથે મળીને સુસંસ્કૃત અને જાગૃત સમાજનું નિર્માણ કરીને સહભાગી બનીએ એવો મત વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સમજણ, મર્યાદા, વ્યવહારૂ જ્ઞાન અને જવાબદારીના ગુણો શીખીશું તો નવી પેઢીમાં મૂલ્યનિષ્ઠાનું સરળતાથી સિંચન કરી શકીશું.
સંસ્કૃતિની રક્ષા માટે ઉમદા કામગીરી કરી રહેલા વ્યક્તિવિશેષોને ‘સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’થી સન્માનિત કરતા આનંદની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, યુવાધનને સાચી દિશા આપવા અને દૂષણોને નાથવા પણ એટલા જ જરૂરી છે. નવી શિક્ષણ નીતિમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે મૂલ્યો સાથેના શિક્ષણ પર સતત ભાર મૂક્યો છે.
સાંસ્કૃતિક મૂલ્યોના રક્ષણ માટે કામ કરતા ગુજરાત સહિત દેશભરના યોદ્ધાઓને સન્માનિત કરવા સેવ કલ્ચર, સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનની પ્રેરણાદાયી પહેલને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના ‘વિકાસ પણ વિરાસત પણ’ના વિઝનને અનુસરી આધુનિક સમયમાં આપણા સમૃદ્ધ વારસાને જાળવવાની તથા સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનની વિશેષ જરૂર છે. આ દિશામાં સાંસ્કૃતિક મૂલ્યોનાં રક્ષણ માટે લડી રહેલા સમાજસેવી યોદ્ધાને બિરદાવીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે તે પણ જરૂરી છે, જેથી અન્ય સમાજસેવકો પણ પ્રેરિત થશે આ વાસ્તવિકતાને ધ્યાને રાખીને રાજ્ય સરકારે ‘સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન’ના સહયોગથી સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર આપવાનું આયોજન કર્યું છે, ત્યારે આ પ્રકારના કાર્યક્રમોથી એકલ-દોકલ વ્યક્તિઓમાં પણ બદલાવ આવશે, તેને જીવવાની નવી દિશા મળશે તો અમારો પ્રયાસ સાર્થક થયો ગણાશે એમ સ્પષ્ટપણે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ પણ કહ્યું કે, રાષ્ટ્ર અને સમાજ પર કુદ્રષ્ટિ રાખી સમાજમાં વિકૃત્તિ ફેલાવનાર, યુવાપેઢીને પતનની ગર્તામાં ધકેલવાના પ્રયાસો કરનાર દેશ અને સંસ્કૃતિ વિરોધીઓ સામે લડવા એક બનવાનું આહ્વાન કરતા ઉમેર્યું કે, યુવાનોને સાચા રસ્તે આગળ વધારવા અને જવાબદાર નાગરિક બનાવવાના સરકારના પ્રયાસોમાં સાંસ્કૃતિક યોદ્ધાઓનો સતત સહયોગ મળી રહ્યો છે, સારી અને પ્રેરક પ્રવૃતિઓને ઉજાગર કરવાના સરકારના કાર્યમાં આમજનતાનો પણ સાથ સહકાર પણ જરૂરી છે એમ જણાવી સંસ્કાર, સંસ્કૃતિ અને શીલના રક્ષણ માટે કાર્યરત યોદ્ધાઓના સન્માન માટે તેમણે યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ તથા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સર્વ મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વ સંદીપભાઈ દેસાઈ, પ્રવિણભાઈ ઘોઘારી, મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, નર્મદ યુનિ.ના કુલપતિ ડો.કે.એન.ચાવડા, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ આઈ.આર.વાળા, ગણમાન્ય અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રોના અગ્રણી મહાનુભાવો, સામાજિક કાર્યકરો, શિક્ષણવિદ્દો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :- રેપિડો ડ્રાઈવરે મહિલા ગ્રાહક સાથે કર્યો દુર્વ્યવહાર, બંનેની ચેટ થઈ વાયરલ