અમદાવાદ, 06 જુલાઈ 2024,ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 147મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યા આરતીમાં સહભાગી થયા હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી. પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગોનો સામાજિક સમરસતા ઉત્સવ બની છે.
આવતીકાલે અમદાવાદમાં નગરના નાથ દર્શન આપશે
આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે અને લોકોને સામે ચાલીને દર્શન આપવાના છે. આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમા રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌને રથયાત્રા નિમિત્તેનું શુભેચ્છાઓ પાઠવું છું.
ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી
રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે ભગવાન જગન્નાથજીની કૃપા ગુજરાત અને સમગ્ર દેશ પર સદાય વરસતી રહે અને આ વખતે વરસાદ સારો થાય અને વરસાદ સારો થવાથી સૌ ખેડૂતો આનંદમાં રહે તે માટે ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીના વિકસિત ભારતનો સંકલ્પ વિકસિત ગુજરાત થકી આગળ વધશે એવો મુખ્યમંત્રીએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃCMનો અધિકારીઓને આદેશઃ રાજ્યના આંતરિયાળ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પહોંચાડો