અમદાવાદ,08 ઓગસ્ટ 2024 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME’ના લોન્ચિંગ પ્રસંગે MSMEને અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવી હતી. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, પ્રોત્સાહક પોલિસી તેમજ સરકાર તરફથી ઝડપી ક્લિયરન્સના ઉત્તમ પરિણામે ગુજરાતમાં 19.80 લાખ રજિસ્ટર્ડ MSME કાર્યરત છે. તેના માધ્યમથી 1.07 કરોડ લોકોને રોજગારી મળી રહી છે.
ગુજરાતનું GDPમાં 8.63% યોગદાન
તેમણે કહ્યું કે, દેશમાં 5% ભૂ-ભાગ ધરાવતા ગુજરાતનું GDPમાં 8.63% યોગદાન હોવું એ આપણા સહુ માટે ગૌરવની બાબત છે.રાજ્યમાં ઉદ્યોગો માટે વીજળી, રોડ-રસ્તા સહિતની આનુષંગિક સેવાઓની ગુણવત્તા સુધરી છે. તેના પરિણામે ગુજરાત ઉદ્યોગની સ્થાપના માટે પ્રથમ પસંદગીનું સ્થાન બન્યું છે. IACCનું ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME’ ભારત અને અમેરિકાના ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત-અમેરિકા વચ્ચેના સંબંધો ગાઢ બનશે
આ પ્રસંગે સ્વાગત સંબોધન કરતા IACCના પ્રથમ ગુજરાતી પ્રેસિડેન્ટ પંકજ બહોરાએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિને ગુજરાત-અમેરિકાના ઔદ્યોગિક સંબંધોની મજબૂતીની સાબિત ગણાવી હતી. આવનારા સમયમાં સેન્ટર ફોર એક્સિલન્સના માધ્યમથી ગુજરાત-અમેરિકા વચ્ચેના આ સંબંધો વધુ ગાઢ બનશે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી હતી. આ ‘સેન્ટર ઓફ એક્સેલન્સના ઉદ્દઘાટન અવસર સાથે MSME સંલગ્ન વિવિધ વિષયો પર ચર્ચા-મંથન માટે એક દિવસીય કોન્ફરન્સનું પણ અયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃમુખ્યમંત્રીએ પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો