અમદાવાદ, 1 ડિસેમ્બરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોરમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત-સિંગાપોર નેચરલ પાર્ટનર તરીકે ઉભરી રહ્યા છે. એટલું જ નહીં, ભારત-ગુજરાત-સિંગાપોરના પરસ્પરના વેપાર-ઉદ્યોગોના સંબંધો પણ વધુ સુદ્રઢ અને સહયોગપૂર્ણ બન્યા છે.તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પ્રમોશન માટે સિંગાપોરમાં સિંગાપોર ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ઇન્વેસ્ટમેન્ટ કોન્ક્લેવમાં સંબોધન કર્યું હતું.
ગુજરાત પોતાનું અગ્રિમ યોગદાન આપવા પ્રતિબદ્ધ
તેમણે ભારત આજે નવી સ્પીડ અને નવા સ્કેલ પર વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં પ્રગતિ કરી રહ્યું છે તેમાં ગુજરાત પણ વિકાસના રોલ મોડલ સ્ટેટ તરીકે જે ભૂમિકા નિભાવે છે તેની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી.મુખ્યમંત્રીએ કહ્યું કે, મેઇક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડીયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત જેવા ઇનિશ્યેટીવ્ઝ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દૂરદર્શી નેતૃત્વમાં લઈને ભારત વિશ્વની પાંચમી મોટી ઇકોનોમી બન્યું છે. દેશને વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનાવવાના પ્રધાનમંત્રીશ્રીના લક્ષ્યને સાકાર કરવામાં ગુજરાત પોતાનું અગ્રિમ યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.
ગુજરાત વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી હબ બનવાની નેમ રાખે છે
મુખ્યમંત્રીએ ગિફ્ટસિટીમાં શરૂ થયેલા સિંગાપોર સ્ટોક એક્સચેન્જ તથા સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બીટ્રેશન સેન્ટરની IFSCમાં ઓફિસ ઓપરેશનલ છે તેની ભૂમિકા આપી હતી.તેમણે કહ્યું હતું કે, ફિનટેકની શક્તિ અને ડિજિટલ કનેક્ટિવિટીની પહોંચ સાથે આપણે એક નવા યુગમાં પ્રવેશ કર્યો છે. ભારતમાં ફિનટેક સેક્ટર્સમાં ઘણી મોટી કંપનીઝ કાર્યરત થઈ છે અને ભારત-સિંગાપોર-ગુજરાત આ દિશામાં એક મજબૂત પાર્ટનર બની શકે તેમ છે.તેમણે ફિનટેક ઉપરાંત સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી, ઈ-મોબિલિટી જેવા ઉભરતા સેક્ટર્સમાં પણ ગુજરાત વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી હબ બનવાની નેમ રાખે છે તેની છણાવટ કરી હતી.
સિંગાપોરના ઉદ્યોગકારોને વાઈબ્રન્ટ સમિટમા જોડાવા આમંત્રણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉભરતાં સેક્ટર્સ સાથોસાથ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટૅક સિટી અને ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન ધોલેરા SIR પણ સ્ટ્રેટેજીક લોકેશન્સ બની રહ્યા છે તેમ જણાવ્યું હતું. તેમણે સેમિકન્ડક્ટર પોલીસી સહિત પોલીસી ડ્રીવન સ્ટેટ અને પ્રો-એક્ટિવ એપ્રોચ સાથે નવા યુગના પોટેન્શિયલ સેક્ટર્સનાં રોકાણો પ્રમોટ કરવા દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે યોજાઇ રહી છે તેની વિગતો આપી હતી. તેમણે સિંગાપોરના વેપાર-ઉદ્યોગકારો-રોકાણકારોને વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪માં જોડાવાનું ઇજન પણ પાઠવ્યું હતું.