સોમનાથ ખાતે રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ
- ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ સહભાગી થયા
સોમનાથ, 21 નવેમ્બર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો પવિત્ર યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવ્યો છે. આ ત્રિ-દિવસીય શિબિરના પ્રારંભે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે વિકાસની જે હરણફાળ ભરી છે તેને હજુ વધુ ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર આ ચિંતન શિબિર પૂરો પાડે છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, જનકલ્યાણ અને લોકસેવા એ સરકારનો ધ્યેયમંત્ર છે અને નાના કર્મચારીથી માંડીને મંત્રી સુધી સૌ તે દિશામાં અહર્નિશ કાર્યરત છે. આવા કાર્યોને વધુ ઉત્તમ અને સફળ કઈ રીતે બનાવી શકાય તે માટેનું સામૂહિક મનોમંથન આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં થશે.
વધુમાં તેમણે કહ્યુ કે, લોકશાહી પ્રણાલીમાં પ્રજાના પ્રતિનિધિઓ,અધિકારીઓ, કર્મયોગીઓ સૌ સાથે મળીને પરિવાર ભાવથી એક બનીને કાર્ય કરે તો કેવા ઉત્તમ પરિણામો મળી શકે તે વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે સામૂહિક તાકાતથી આપણે પુરવાર કર્યુ છે. મુખ્યમંત્રી આ સંદર્ભમાં કહ્યું કે, જો આફતના કપરા સમયે સૌ એક જૂટ થઈને કામ કરી શકે તો રોજ બરોજના કામકાજમાં પણ ટીમ સ્પિરીટથી પ્રજાના ભલા માટે, લોકોના હિત માટે સાથે મળીને કામકાજ થાય તે જ ચિંતન શિબિરનું સાચું હાર્દ છે.
તેમણે વ્યક્તિગત જીવનમાં પણ ચિંતનના લાભાલાભ સમજાવતા કહ્યું કે, સૌએ ચિંતનની આદત કેળવવી જ જોઈએ અને દિવસભરના કામોનું આત્મમંથન, ચિંતન પણ દિવસના અંતે થવું જોઈએ. આના પરિણામે આપણા વાણી, વર્તન, વ્યવહાર અને કામકાજની પદ્ધતિમાં જે બદલાવ આવશે તે ‘સ્વ’ના અને સમાજના હિત માટે ઉપયોગી થશે તેવો મત મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ, અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે, ત્રિદિવસીય ચિંતન શિબિરમાં સૌ એક થઈને, સાથે રહીને એવું ચિંતન કરીએ કે પ્રજાજનોને લોકોને કોઈ તકલીફ ન પડે, દુવિધા ન રહે તેવી પ્રશાસનિક સુશાસન વ્યવસ્થા સુનિશ્ચિત થાય. તેમણે અધિકારીઓને પોતાના વિભાગના કાર્યોમાં પોતિકા પણાનો ભાવ દાખવી સંપૂર્ણ નિષ્ઠા સાથે પ્રજાહિત માટે કર્તવ્યરત રહેવાની શીખ આપતા ઉમેર્યું કે, આપણી પાસે કોઈ કામ માટે આવતી વ્યક્તિ કે સામાન્ય માનવીને સંતોષ થાય, જો તેનું કામ ન થઈ શકે તેવું હોય તો પણ વિનમ્રતા-વિવેકથી ના કહી શકીએ તેવી કાર્યપદ્ધતિ આપણે ઊભી કરી છે તેને જાળવી રાખવાનું મંથન ચિંતન આ શિબિરના માધ્યમથી થવાનું છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી ચિંતન શિબિરની આ પરંપરામાં ઉતરોત્તર નવા સોપાનો સર કરવામાં મંત્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સૌના મળી રહેલા સહયોગની પણ સરાહના કરી હતી.
આ પણ વાંચો :- યશસ્વી જયસવાલ આ રેકોર્ડથી માત્ર 2 ડગલાં દૂર, પર્થ ટેસ્ટમાં કરી શકે છે કમાલ