હેરિટેજ સિટી અમદાવાદમાં ‘કાંકરિયા કાર્નિવલ-24’નો પ્રારંભ કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ
- સુશાસન દિવસે અમદાવાને રૂ.૮૬૮ કરોડના વિકાસ કામોની મુખ્યમંત્રીએ આપી ભેટ
- ઝુપડપટ્ટી વિસ્તારના ૩૪૫ પરિવારોને પાકા મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ મળ્યા
- ગાર્ડન, પશુ આશ્રયસ્થાન- કરુણા મંદિર તથા આંગણવાડીનું લોકાર્પણ
અમદાવાદ, 25 ડિસેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘કાંકરિયા કાર્નિવલ- ૨૦૨૪’ ના પ્રારંભ પ્રસંગે જણાવ્યું કે, વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલને પણ ઉજવે છે તે વડાપ્રધાનના ‘વિરાસત ભી વિકાસ ભી’ ના મંત્રને સાકાર કરે છે. કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારિત કાર્યક્રમોથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે.
અમદાવાદના શહેરીજનોને શહેરી સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ આપતા રૂ. ૮૬૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ પણ સુશાસન દિવસે મુખ્યમંત્રીએ આપી છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભે સ્પષ્ટપણે કહ્યું કે, શ્રધ્ધેય અટલજીના ૧૦૦માં જન્મ દિવસને અમદાવાદ મહાનગર પાલિકાએ કાંકરિયા કાર્નિવલના નગરોત્સવ સાથે વિકાસ ઉત્સવ પણ બનાવ્યો છે. તેમણે કહ્યું કે, સુશાસન, એટલે સમાજના નાનામાં નાના, સામાન્ય માનવી, છેવાડાના માનવીને સુવિધા-સગવડ અને સુખાકારી આપતું શાસન. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો ઓપ મળ્યો છે.
રાજ્યનાં શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે શહેરીજનોને મનોરંજન રિ-ક્રિએશન માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. આપણાં શહેરોમાં જનસુખાકારી વધે, હેપ્પીનેસ ઇન્ડેક્સ ઊંચા આવે, સ્માર્ટ સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ સિટીઝ બને તેવી વડાપ્રધાનની નેમ છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રૂ.૮૬૮ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી અમદાવાદ શહેરના નાગરિકોના જીવનમાં સુખાકારી વધારશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
કાર્નિવલના બહુઆયામી આયોજન માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સામાન્ય પરિવાર અને શ્રમજીવી પરિવારોના બાળકોને મનોરંજન માણવા મળે તે માટે આ કાંકરિયા કાર્નિવલની પહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરાવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૨૫.૭૩ કરોડના ૬ વિકાસ કામનું લોકાર્પણ તેમજ રૂ.૮૪૨.૦૩ કરોડના ૨૮ વિકાસ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ લોકાર્પણ અંતર્ગત અમદાવાદ શહેરના ઝુપડપટ્ટી વિસ્તારના ૩૪૫ પરિવારોને પાકા મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ મળ્યા છે.
તદુપરાંત મણિનગર ખાતે પુનઃનિર્મિત ગાર્ડન, વટવામાં પશુઓનું આશ્રય સ્થાન- કરુણા મંદિર તથા નિકોલ અને વટવામાં આંગણવાડીનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું.
મુખ્યમંત્રીએ રૂ.૮૪૨ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું તેમાં જિમ, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર, વેજીટેબલ માર્કેટ, નવી શાળા, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, વોટર પ્રોજેક્ટ ડ્રેનેજ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ તકે કાંકરિયા કાર્નિવલ પરેડને ફ્લેગ- ઓફ કરાવી હતી. તેમણે પરેડના વિવિધ આકર્ષણો જેવા કે ટેબ્લો, મ્યૂઝિક બેન્ડ, કલાકારોની પ્રસ્તુતિ અને કરતબો નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો :- ICC ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહનું વધુ એક મોટું કારનામું, બધાને પછાડી દીધા